Kheda News : ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ મંદિર બોર્ડની યોજાનારી ચૂંટણીમાં કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર બોર્ડ બિનહરીફ થયા છે. વડતાલ મંદિર બોર્ડની ચૂંટણીમાં સાતેય સભ્યો બિનહરીફ જાહેર થતાં હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.
વડતાલ મંદિર બોર્ડની ચૂંટણીમાં સાતેય સભ્યો બિનહરીફ વિજેતા
નડિયાદના સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ મંદિર બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારીવિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થતાં હરિભક્તોમાં આનંદ છવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડતાલ મંદિર બોર્ડની ઈ.સ.1975થી સ્કિમનો અમલ શરૂ કરાયો છે, ત્યારે 50 વર્ષના ઈતિહાસમાં આ વખતે સમગ્ર બોર્ડ બિનહરીફ જાહેર થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડતાલ મંદિર બોર્ડના ચાર વિભાગોમાં સંત વિભાગ, બ્રહ્મચારી વિભાગ, પાર્ષદ વિભાગ તથા હરિભક્ત વિભાગના મળી કુલ સાત સભ્યોની ચૂંટણી યોજવામાં આવે છે. જેમાં સંત વિભાગમાંથી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી ગુરૂ ભક્તિપ્રિયાનંદજી, પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભભગત ગુરૂ નીલકંઠચરણ દાસજી (સુરત) તથા ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ, તેજસ બીપીનચંન્દ્ર પટેલ (પીપળાવ), અલ્પીત પંકજભાઈ પટેલ (વડોદરા) તથા સંજય હીરાલાલ પટેલ (ગોધરા)ને બિનહરીફ જાહેર કરાયા હતા.