• જૂના રસ્તા પર માટી-મેટલ પાથરી ઢંગધડા વગરના રસ્તા બનાવાયા
• માટી અને મેટલની જાડાઈ પણ એસ્ટિમેન્ટ મુજબ જાળવવામાં આવતી નથી
• મેટલના રસ્તાના કામમાં ભારે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ફરિયાદ ઉઠી
સોનગઢ તાલુકાના લીંબી અને સરજાંબલી ગામમાં મનરેગા યોજનામાં બની રહેલા 13 માટી મેટલના રસ્તાના કામમાં ભારે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ફરિયાદ ઉઠી છે.
લીંબી ગામે મેઈન રોડથી રાવજી સનજીના ખેતર સુધી,લીંબી માંડવી મઇેન રોડથી વીજુભાઇ જલાભાઇના ખેતર સુધી,ફતેહ ઉબાડીયાના ખેતરથી કંચન કચીયાના ખેતર સુધી,પોહલી ગોવિંદના ખેતરથી ગમા કોટવાલના ખેતર સુધી,જમના કાનજીના ખેતરથી મણિલાલ હાનીયાના ખેતર સુધી,ગમા કોટવાલના ખેતરથી ઈરીગેશન સુધી, લીંબી તળાવથી લીમજી વસનજીના ખેતર સુધી, પાચીયા ધનજીના ખેતરથી સિંગા દામાજીના ઘર સુધી, સરજાંબલી મેઇન રોડથી પુલ થઇ જેમાભાઇના ખેતર સુધી, સરજાંબલીમાં દિનેશભાઇના ખેતરથી અમરસીંગભાઈના ખેતર સુધી, સરજાંબલીમાં રૂમાભાઇના ખેતરથી ગીરીયાભાઇના ખેતર સુધી, સરજાંબલીમાં સુપલીયાભાઇના ઘરથી કુમારભાઇના ઘર સુધી અને સરજાંબલી ક્રિકેટ ગ્રાઉન્ડથી બાબુ સુતરીયાના ઘર સુધી માટી મેટલ રસ્તા રૂરલ કનેક્ટિવિટી અંતર્ગત બની રહ્યાં છે.આ રસ્તાના કામમાં નકરી વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ બંને ગામના લોકો દ્વારા ઉઠી છે. જૂના રસ્તા પર લેવલીંગ કર્યા વગર માટી-મેટલ પાથરી ઢંગઢગા વગરના રસ્તા બનાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદ છે.કોન્ટ્રાકટર દ્વારા પાણીનો છંટકાવ અને રોલિંગ કામ કર્યા વગર રસ્તાઓ બનાવવામાં આવી રહ્યાં છે. માટી અને મેટલની જાડાઈ પણ એસ્ટીમેન્ટ મુજબ જાળવવામાં આવતી નથી.આવા રસ્તા પહેલા વરસાદે ધોવાઇ જવાની પુરેપુરી શકયતા હોવાથી ગામલોકો દ્વારા કોન્ટ્રાક્ટરને સારી ગુણવત્તાનો રસ્તો બનાવવા વારંવાર રજૂઆતો થઇ હોવા છતાં રસ્તાના નિર્માણમાં ગોબાચારી ચાલુ રહેવા પામી છે.એસ્ટીમેટના ખર્ચ કરતા અડધી કિંમતે આ રસ્તા બની રહ્યાં હોવાનું લોકોનું કહેવું છે.ત્યારે લીંબી અને સરજાંબલીમાં મનરેગા યોજના હેઠળ બની રહેલા તમામ માટી મેટલના રસ્તા એસ્ટીમેટ મુજબ બની રહ્યાં છે કે નહીં તેની તપાસ થવી જરૂરી છે. ડામર રોડ કરતાં માટી મેટલ રોડનો ખર્ચ વધુ સોનગઢ તાલુકામાં નાણાપંચ અને સ્વભંડોળમાંથી બનતા 500 મીટરની લંબાઇના ડામર રસ્તાનો ખર્ચ 5 લાખ જેટલો બતાવાય છે .બીજી તરફ મનરેગા યોજનામાં 4.80 લાખના ખર્ચે માત્ર 200 થી 300 મીટરનો માટી-મેટલ રસ્તો બનતો હોવાની ચર્ચા છે. ડામર રોડના નિર્માણમાં માટી-મેટલ કામ, પાણી છંટકાવનું કામ, રોલીંગ કામ તેની ઉપર જીએસબી પાથરવાનું કામ અને છેવટે સીલકોટ કરવાનું કામ કરાતુ હોય છે. જ્યારે મનરેગા યોજનામાં 200 કે 300 મીટરની લંબાઇમાં બનતા રસ્તાના કામમાં માત્ર માટી અને મેટલનો ઉપયોગ થતો હોવાની સાથે લંબાઇ પણ અડધી હોવા છતા માટી મેટલના રસ્તાનો ખર્ચ ડામર રોડના ખર્ચ કરતા બમણો કે ત્રણ ગણો કેમ થાય છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. આ બાબત ઘણી ગંભીર હોવાથી તેની ઉચ્ચ સ્તરીય તપાસ જરૂરી બની છે.