ઝાલાવાડમાં લીંબડી તાલુકાના ગ્રામ્ય પંથકમાં શિક્ષણને વિપરીત અસર થઈ રહી છે. જેમાં લીંબડીના બોરણા ગામની પ્રાથમીક શાળામાં બાલવાટીકાથી ધો. 8 સુધીના વર્ગો રૂમના અભાવે માત્ર 6 જ રૂમમાં ચાલે છે. જેના લીધે વિદ્યાર્થીઓને ખુલ્લામાં અભ્યાસ કરવા મજબુર થવુ પડયુ છે. ભણશે ગુજરાતના નારા પોકારતી સરકારની સામે એક સળગતો પ્રશ્ન છે.
લીંબડી તાલુકાના ગામડાઓમાં પુરતી સુવિધાના અભાવે શિક્ષણ કથળતુ જાય છે. થોડા સમય પહેલા જ દેવપરામાં નવી શાળા ન બનતા મંદિરમાં બાળકો શિક્ષણ લેતા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે લીંબડી તાલુકાના જ વધુ એક બોરણા ગામે રૂમના અભાવે બાળકો ખુલ્લામાં ભણવા મજબુર બન્યાનું પ્રકાશમાં આવ્યુ છે. વધુમાં મળતી માહિતી મુજબ લીંબડી તાલુકા મથકથી ધંધુકા જવાના રસ્તે 6 કિમીના અંતરે આવતા બોરણા ગામની અંદાજે 1200થી વસ્તી છે. ગામની પ્રાથમીક શાળામાં અંદાજે ત્રણેક વર્ષ પહેલા જર્જરીત રૂમો તોડી પડાયા હતા. અને હાલ શાળામાં 6 રૂમ શેષ છે. શાળામાં બાલવાટીકાથી ધો. 8ના વર્ગોમાં 300થી વધુ બાળકો અભ્યાસ કરે છે. જેમાં બોરણા ઉપરાંત પાસના ગોપાલનગર શાળાના બાળકો પણ ભણે છે. શાળામાં હાલ 6 જ ઓરડા છે અને તેમાં બાલવાટીકાથી ધો. 8ના વર્ગો ઉપરાંત આચાર્યની ઓફીસ, સ્ટાફ રૂમ, કોમ્પ્યુટર લેબ જેવા રૂમો છે. આ રૂમોમાં પણ બાળકોને અભ્યાસ કરાવવો પડે છે. આટલુ જ પુરતુ નથી બાળકોને ખુલ્લામાં મેદાનમાં પણ અભ્યાસ કરવા મજબુર બનવુ પડે છે. આથી તાત્કાલિક નવા રૂમો બનાવી આપવા ગામના ઉપસરપંચ જયેશભાઈ રાઠોડ સહિત ગ્રામજનોની માંગ છે.
વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ પરેશાન
આ અંગે બોરણા પ્રાથમીક શાળાના આચાર્ય રાજલબેન ઉપાધ્યાયે જણાવ્યુ કે, તેઓ 11 વર્ષથી શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવે છે. શાળાના અન્ય રૂમો જર્જરીત થતા 3 વર્ષ પહેલા ઉતારી લેવાયા હતા. બાદમાં નવા રૂમો બનાવવાની કામગીરી થઈ નથી. વર્ગખંડની અછત હોવાના લીધે બાળકો સાથે શિક્ષકો પણ પરેશાન છે.
ચોમાસાની મોસમમાં સૌથી વિકટ પરિસ્થિતિ થાય છે
આ અંગે ગીરીશભાઈ ચાવડાએ જણાવ્યુ કે, ત્રણ વર્ષથી આ પ્રશ્ન છે. જેમાં બાળકોને મેદાનમાં ખુલ્લામાં અભ્યાસ કરવો પડે છે. આ અંગે અવારનવાર જિલ્લાકક્ષાએ રજૂઆત કરાઈ છે. જેમાં કોઈ આ કામનું ટેન્ડર ભરતુ ન હોવાનું અને ભરે તો નીચા ભાવે ભરતા હોવાનું સામે આવ્યુ છે. ખાસ કરીને ચોમાસાના સમયમાં વિપરીત પરિસ્થિતિ થતા બાળકોનો અભ્યાસ બગડે છે.