Gujarat Crime: સાબરકાંઠાના હિંમતનગરમાં એક ચોંકવનારી ઘટના સામે આવી હતી. જેણે પોલીસને પણ ચકરાવે ચઢાવ્યા હતાં. ગત ગુરૂવારે (17 ઓક્ટોબર) નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વોર્ટર્સના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક મૃતદેહ પડ્યો હતો. જેની ઓળખ છાયા કલાસવા તરીકે થઈ છે. પોલીસે ડીમ્પલ પટેલની મોતની તપાસ હાથ ધરી તો ખબર પડી કે, મહિલાએ આત્મહત્યા કરી છે. જોકે, આ મહિલાની મોતની તપાસ દરમિયાન પોલીસને બીજી એક મહિલાની લાશ મળી. જેની ઓળખ ડીમ્પલ પટેલ તરીકે થઈ છે. એક જ દિવસમાં બે લાશ મળતાં પહેલાં તો પોલીસ પણ ચકરાવે ચઢી. પરંતુ, બે જ દિવસમાં આ કહાનીએ નવો વળાંક લીધો. પોલીસ તપાસમાં બંને લાશ વચ્ચેનું પોલીસને એવું કનેક્શન મળ્યું કે, જેના વિશે જાણીને તમને કોઈ થ્રિલર ફિલ્મની કહાણી જેવું લાગશે.
શું હતી સમગ્ર ઘટના?
ગુરૂવારે (17 ઓક્ટોબર) હિંમતનગરના નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ કવાર્ટર્સમાં B-1 બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર પરથી એક મહિલાની લાશ મળી આવી હતી. જેને જોતા જ સ્થાનિકોએ પોલીસને સંપર્ક કર્યો. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને રૂમ નંબર 402ની તપાસ હાથ ધરી તો ત્યાંથી પોલીસને બીજી એક મહિલાની લાશ મળી. જેને જોઈને પોલીસ સહિતના લોકો ચકિત થઈ ગયાં હતાં.
શું હતો સમગ્ર મામલો?
જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પરથી મહિલાની લાશ મળી તો પોલીસ તેના મોતના કારણને જાણવા તપાસ કરી રહી હતી. જેના માટે પોલીસને 402 નંબરના રૂમની તલાશી લેવી હતી. જોકે, રૂમ અંદરથી બંધ હતો તેથી પોલીસે તેને તોડીને તપાસ હાથ ધરી. જેવો જ દરવાજો ખુલ્યો કે, અંદરથી બીજી એક મહિલાની લાશ મળી. રૂમમાંથી મળેલી મહિલાની લાશની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, મહિલાનું કોઈએ ગળું દબાવીને હત્યા કરી દીધી છે. જ્યારે બંને મોતની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે, લગ્ન પછીના આડા સંબંધોના કારણે આ હત્યા અને આપઘાતનો આખો બનાવ બન્યો છે.
હત્યા બાદ કરી આત્મહત્યા
આ અંગે તપાસ બાદ જિલ્લા પોલીસ વડા સ્મિતત ગોહીલ અને પીઆઈ પ્રકાશે જણાવ્યું કે, ડીમ્પલ પટેલના (જેની લાશ રૂ. 402 માંથી મળી) પતિ ભાવેશ પટેલના છાયા કલાસવા (જેની લાશ ગ્રાઉન્ડ ફ્લોરથી મળી હતી) સાથે આડા સંબંધો હતાં. જેની જાણ ડીમ્પલ પટેલને થઈ જતાં પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતાં. ડીમ્પલ પટેલ તેના પતિ સાથે ઝઘડતી તે છાયા કલાસવાને ન ગમતાં આવેશમાં આવી તે ડીમ્પલ પટેલના ઘરમાં ઝઘડો કરવા ઘૂસી ગઈ. જ્યાં બંને વચ્ચે ઝપાઝપી થતાં છાયા કલાસવાએ ડીમ્પલ પટેલનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ છાયા કલાસવા ગભરાઈ ગઈ અને ડીમ્પલ પટેલને ઘરમાં બંધ કરી ફ્લેટના પાછળના ભાગેથી છલાંગ લગાવી દીધી. જેનાથી છાયા કલાસવાને માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત થઈ ગયું.
પોલીસે હાથ ધરી તપાસ
આ સમગ્ર મુદ્દે એ-ડિવિઝન પોલીસે તરત જ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ વિશે ડિમ્પલ પટેલના પિતાએ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવી હતી અને ડીમ્પલ પટેલના પતિ ભાવેશ પટેલ અને છાયા કલાસવાના પતિ નીતિન કલાસવાની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ આડાસંબંધમાં હત્યા બાદ આત્મહત્યાનું સામે આવ્યું છે અને એ ડિવિઝન આ મામલે આગળની તપાસ પણ હાથ ધરી રહી છે.