બપોરના સમયે લાગેલી આગ મોડી સાંજે કાબુમાં આવી
આગને કારણે બાવળ, સૂકું ઘાસ સહિતનો જથ્થો બળીને ખાક : આગ લાગવાનું કારણ અકબંધ
સુરેન્દ્રનગર: લખતર વિરમગામ હાઈવે પર ગેથળા હનુમાનજી મંદિર સામે આવેલા વીડમાં બપોરના સમયે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા પાલીકાની ફાયર ફાયટર ટીમે મોડી સાંજ સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. વીડની બાજુના ખેતરોએ ઉભો પાક બચાવવા જોતરાઇ ગયા હતા. આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
ગેથળા હનુમાનજી મંદિર સામેના વીડમાં બપોરના સમયે આગ લાગી હતી. ગણતરીની મિનિટમાં આગ સમગ્ર વીડ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. વીડમાં રહેલું સૂકું ઘાસ, બાવળ તેમજ વૃક્ષો બળીને ખાક થઈ ગયા હતા. આગના બનાવને પગલે લોકોના ટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા. આ અંગે સુરેન્દ્રનગર મનપાની ફાયર ફાયટર ટીમને તેમજ અધિકારીઓને જાણ કરવામાં આવતાં ફાયર ફાયટરની ટીમ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
ફાયર ફાયટર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા પરંતુ વીડમાં સૂકું ઘાસ હોવાના કારણે મોડી સાંજ સુધી આગ કાબુમાં આવી નહતી અને ફાયર ફાયટરની ટીમે મોડી સાંજ સુધી પાણીનો મારો ચલાવ્યો હતો. સદ્દનસીબે આગના બનાવમાં કોઈ જાનહાનીનો બનાવ ન બનતા મોટી દુર્ધટના ટળી હતી.
આસપાસના ખેતરોમાં ખેડૂતોએ મહામહેનતે કરેલા ઘઉં, એરંડા, ચણા સહિના પાક આગની ચપેટમાં આવવાની ભીતિને પગલે ખેડૂતોએ પાકને બચાવવા માટે હલર વડે કાઢવાની કામગીરી હાથધરી હતી.
આ ઉપરાંત ખેતરોમાંથી પશુઓ માટે રાખેલ કડબ સહિતની વસ્તુઓ સલામત સ્થળે ખસેડી લીધી હતી. પ્રાથમિક તપાસમાં હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ બહાર આવ્યું નથી.