Rahul Dravid : ભારતીય ટીમનો ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ આજ રોજ (11 જાન્યુઆરી) 52 વર્ષનો થઇ ગયો છે. ‘ધ વોલ’ તરીકે પ્રખ્યાત દ્રવિડ જ્યારે ક્રીઝ પર ઊભો હોય ત્યારે તેને આઉટ કરવો મુશ્કેલ બની જતો હતો. દ્રવિડના કોચિંગ હેઠળ જ ભારતે વર્ષ 2024નો T20 વર્લ્ડકપ જીત્યો હતો. આ સિવાય દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. જેમાંથી કેટલાક રેકોર્ડ હજુ સુધી કોઈ પણ તોડી શક્યું નથી તો ચાલો જાણીએ તેના વિશે……
1. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ (વિકેટકીપર સિવાય) પકડવાનો રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે 210 કેચ પકડ્યા હતા. ઇંગ્લેન્ડનો જો રૂટ આ યાદીમાં 207 કેચ પકડીને બીજા ક્રમે છે.
2. રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય વનડેમાં સતત 120 ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયો ન હતો. તે આવું કરનાર બેટર બેટર હતો. આ મામલે ન્યુઝીલેન્ડના દિવંગત ક્રિકેટર માર્ટિન ક્રો બીજા ક્રમે છે. જેઓ સતત 119 વનડે મેચમાં શૂન્ય પર આઉટ થયો ન હતો.
3. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડે શૂન્ય પર આઉટ થયા વગર સતત 173 ઇનિંગ્સ રમી હતી. જે એક વર્લ્ડ રેકોર્ડ છે. દ્રવિડે આ સિદ્ધિ 10 જાન્યુઆરી 2000 થી 6 ફેબ્રુઆરી 2004 ની વચ્ચે મેળવી હતી. આ બાબતમાં સચિન તેંડુલકર 136 ઇનિંગ્સ સાથે બીજા સ્થાને છે.
4. રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં ૪૪,૧૫૨ મિનિટ ક્રીઝ પર વિતાવી, જે આ ફોર્મેટમાં કોઈપણ ખેલાડી માટે સૌથી વધુ છે.
5. પોતાની 16 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં રાહુલ દ્રવિડે 31258 બોલનો સામનો કર્યો હતો. આ એક એવો વિશ્વ રેકોર્ડ છે જે આજે પણ અજોડ છે.
રાહુલ દ્રવિડની ક્રિકેટ કારકિર્દી
મધ્યપ્રદેશના ઇન્દોરમાં 11 જાન્યુઆરી, 1973ના રોજ જન્મેલા દ્રવિડે 164 ટેસ્ટ મેચમાં 52.31ની સરેરાશથી 36 સદી અને 63 અડધી સદી સાથે 13288 રન બનાવ્યા હતા. દ્રવિડે 344 વનડેમાં 10889 રન બનાવ્યા હતા. જેમાં તેણે 12 સદી અને 83 અડધી સદી ફટકારી હતી. ભારતના ફક્ત બે જ બેટર એવા છે કે જેમણે ટેસ્ટ અને વનડે ફોર્મેટમાં 10000 થી વધુ રન બનાવ્યા છે.
આ પણ વાંચો : વિજય હજારે ટ્રોફીમાં બરોડાની ટીમનો પરાજય: મહારાષ્ટ્ર અને કર્ણાટક સેમિ ફાઇનલમાં
પહેલી વખત દ્રવિડના નેતૃત્ત્વમાં ભારત દ. આફ્રિકાની ધરતી પર જીત્યું
દ્રવિડના નેતૃત્ત્વમાં ભારતે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પહેલી ટેસ્ટ જીતી હતી. વર્ષ 2006-07ના પ્રવાસ દરમિયાન ભારતે જોહાનિસબર્ગ ટેસ્ટમાં આફ્રિકન ટીમને 123 રનથી હરાવ્યું હતું. આ ઉપરાંત દ્રવિડની કેપ્ટનશીપ હેઠળ ભારતે વર્ષ 2007 માં 21 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં 1-0 થી ટેસ્ટ સીરિઝ જીતી હતી. આ પહેલા ભારતે સન 1986માં કપિલ દેવની કેપ્ટનશીપમાં ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતી હતી.