સાબરકાંઠા-અરવલ્લી જિલ્લામાંથી નૈઋત્યના ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. ખેડૂતો કપાસ અને મગફળીનો પાક લેવામાં પડયા છે.
સૂકારાના રોગના કારણે ખેતરો ખાલી થઈ રહ્યાં છે. ત્યારે ખેડૂતો આગામી રવી સિઝન માટે બટાકા તેમજ ઘઉંનું આયોજન કરી રહ્યા છે. બીજી તરફ બજારોમાં ખાતર ડેપો પર ડીએપીથી લઈને યૂરિયા ખાતરની તંગી જોવા મળી રહી હોવાની ફરિયાદો ખેડૂતોમાંથી ઉઠી છે. બંને જિલ્લામાં બટાકા તેમજ ઘઉં સહિતનું શિયાળું (રવી) વાવેતર માટે ખેડૂતોએ તૈયારીઓ આરંભી દીધી છે. જો કે, ખાટલે મોટી ખોડ એ છે કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાસાયણિક ખાતરોની તંગી સામે આવી રહી છે. આ અંગે બાયડ તાલુકાના અમરાપુર ગામના ખેડૂતો પગી અભાભાઈ શામળભાઈ અને પગી હરેશભાઈ રમણભાઈએ જણાવ્યું કે, ડીએપી અને યૂરિયા ખાતર લેવા માટે રઝળપાટ કરવાની નોબત આવી છે. પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવતું નથી. ડીએપી ખાતરની બે થેલી સાથે ભળતા ખાતરની થેલી લેવા માટે ફરજ પાડવામાં આવી રહી છે. યૂરિયા સાથે નેનો યૂરિયા લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું કે, ડીએપી ખાતર સાથે જે ખાતરની જરૂર નથી તેવું ભળતું ખાતર આપવામાં આવી રહ્યું છે. ખાનગી એગ્રો ડેપોથી લઈને સરકારી કંપનીઓના એગ્રો ડેપોમાં ખેડૂતોને આ જવાબ મળી રહ્યા છે. ડીએપી અને યૂરિયા સાથે આપવામાં આવતા ખાતરની ગુણવત્તા સામે પણ ખેડૂતો સવાલો ઊઠાવી રહ્યા છે. કુદરતના મારમાં બેહાલ થયેલા ખેડૂતો હાલ લાચાર જોવા મળી રહ્યા છે. બીજી તરફ સરકાર આ મામલે તપાસ કરાવે અને પૂરતો ખાતરનો સ્ટોફ મળી રહે તેવી વ્યવવસ્થા કરાવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.
જરૂર નથી એવું ખાતર પધરાવાય છે : ખેડૂત
બાયડ તાલુકાના રડોદરા ગામના ખેડૂત નરેશભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે ખેડૂતોને ડીએપી અને યૂરિયા સાથે ફરજિયાત ભળતું ખાતર લેવાની ફરજ પાડવામાં આવી રહી છે. ભળતું ખાતર લેવામાં ન આવે તો ડીએપી કે યૂરિયા ખાતર આપવામાં આવતું નથી. એક રીતે રાસાયણિક કંપનીઓ જે ખાતરનો વપરાશ બિલકુલ નથી તેવું ખાતર ખેડૂતોને પધરાવી રહી છે. પોટાશ અને સલ્ફરના નામે ખાતર આપવામાં આવી રહ્યું છે.
દર વર્ષે દિવાળીમાં ખાતરની રામાયણ !!!
દર વર્ષે બટાકા અને ઘઉંની સિઝન પહેલાં રાસાયણિક ખાતરની રામાયણ સર્જાય છે. એક તરફ સરકાર કહે છે કે, ખેડૂતોને રાસાયણિક ખાતરનો પૂરતો સ્ટોક ફાળવવામાં આવી રહ્યો છે. બીજી તરફ ખેડૂતો જ્યારે ખાતર લેવા જાય છે ત્યારે પાંચ થેલીની સામે માત્ર એક થેલી આપવામાં આવી રહી હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.
રવી સિઝન માટે 50 હજાર મે. ટન ખાતરની જરૂર : ખેતીવાડી અધિકારી
અરવલ્લી જિલ્લા ખેતીવાડી અધિકારી (વિસ્તરણ) આર. એસ. પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં રવી સિઝન માટે 50 હજાર મે. ટન યુરીયા ખાતરની સામાન્ય રીતે જરૂરીયાત રહે છે. હાલમાં જિલ્લામાં 9 હજાર મે. ટન યુરીયા ખાતરનો સ્ટોક ઉપલબ્ધ છે. વાવેતર શરૂ થાય પછી જરૂરીયાત પ્રમાણે જથ્થો આવતો રહે છે. સરકાર નેનો ડીએપી અને નેનો યુરીયાનો વપરાશ વધે તે માટે અને ખેડૂતોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસો કરે છે. લિક્વીડ ખાતર સીધુ છોડના પાનને મળતુ હોય છે. થેલીમાં મળતુ ખાતર અને નેનો લિક્વીડ ખાતરના કમ્પોનન્ટ્સમાં કોઈ ફરક હોતો નથી તે ખેડૂતોએ સમજવાની જરૂર છે.