- હિંમતનગરમાં 20 ટીયરગેસના સેલ છોડાયા
- ખંભાતમાં દુકાનમાં આગચંપી
- હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે આજના પાવન પર્વે ગુજરાતમાં બે ઠેકાણે શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તેમજ ખંભાતમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે બન્ને ઠેકાણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
હિંમતનગરમાં પથ્થરમારા બાદ 20 ટીયરગેસના સેલ છોડાયા
સાબરકાંઠાના વડા મથક હિંમતનગર ખાતે આજે રામનવમીના પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા તેના નિયત કરેલા રૂટ ઉપર નીકળી રહી હતી, ત્યારે છાપરીયા વિસ્તારમાં અચાનક જ એક કોમના કેટલાક તોફાની તત્વોએ આયોજનપૂર્વક પથ્થરમારો કરી દીધો હતો. જેના કારણે રામનવમી શોભાયાત્રામાં નીકળેલા કાર્યકરો અને તોફાની તત્વો આમને સામને આવી ગયા હતા.
બંને ટોળા વચ્ચે થયેલી અથડામણ દરમિયાન વિશ્વ હિંદુ પરિષદની એક ગાડી તથા બે ટુ વ્હીલરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આટલું જ નહીં તોફાની તત્વોએ એક બાઇકને આગચંપી કરી દીધી હતી. જેના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા હતા.
સમગ્ર ઘટના બનતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓથી લઈને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે 5 સેલ ટીયરગેસ છોડ્યા હતા. આમાં એક વ્યક્તિના મોઢાના ભાગે પથ્થર વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
જો કે થોડી વાર બાદ ફરીથી બન્ને કોમના જૂથો સામસામે આવી જતા ફરીથી પથ્થરમારો થયો હતો. જેના કારણે પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ફરીથી ટીયરગેસના સેલ છોડ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 20 જેટલા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા છે.
ખંભાતના શક્કરપૂરામાં બે જૂથો વચ્ચે અથડામણ
આવી જ રીતે આણંદ જિલ્લાના ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં પણ રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આ શોભાયાત્રા શક્કરપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન અચાનક પથ્થરમારો થયો હતો. આટલું જ નહીં, તોફાની ટોળાએ દુકાનમાં આગચંપી કરી હતી. હાલ તો આ ઘટનાને પગલે ખંભાત પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.