- ગાંધીધામના રાપર તાલુકાના વેકરા ગામે બનેલો બનાવ
- ઘર પાસેથી પસાર થવા મુદે બોલાચાલી કરતા મામલો બિચક્યો
- સામાજીક રાહે સમાધાન ન થતા યુવાનની બનેવી સામે ફરિયાદ
ગાંધીધામના રાપર તાલુકાના વેકરા ગામે રહેતો યુવાન ભેંસો સોધવા આડેસર ગામે ગયો હતો, ત્યારે ઘર પાસેથી પસાર થવાનું મનદુઃખ રાખીને બનેવીએ યુવાન સાથે બોલાચાલી કરી હતી. મામલો ઉગ્ર બની જતા આરોપી બનેવીએ સ્વીફ્ટ કાર સાળા પર ચડાવી દીધી હતી અને તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાને પગલે યુવાનને હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો.
આડેસર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગઈ તા.11/8 ના સવારના 10:30 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. તાલુકાના વેકરા ગામે રહેતો જયેશભા પુંજાભાઈ ગઢવી (ઉવ.ર૩) માતા સાથે ભેંસો સોધવા આડેસર ગામે ગયો હતો. જ્યાં રસ્તામાં કિચડ હોવાથી યુવાનની માતા બાઈક પરથી નીચે ઉતરી ગયાં હતા અને યુવાન કિચડમાંથી ધીરેધીરે બાઈક બહાર કાઢતો હતો. ત્યારે સ્વીફ્ટ કારમાં જયેશભાનો બનેવી કરણીદાન નરસંગભા ગઢવી ઘર પાસે બેઠો હતો. આરોપીએ જયેશભાને તુ કેમ મારા ઘર આગળથી નિકળે છે તેમ કહી ગાળો આપી હતી. યુવાને ગાળો બોલવાના ના પાડતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપીએ બનેવીએ સ્વીફ્ટ કાર ચાલુ કરી જયેશભાને મારી નાખવાના ઈરાદે તેના પર કાર ચડાવી દીધી હતી. પરત રીવર્સમાં લઈ જયેશભાના પેટના ભાગે ગાડી ચડાવી દીધી હતી અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જયેશભાની માતાએ રાડારાડ કરતા આસપાસમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. ટોળુ એકઠુ થઈ જતા આરોપી વાહન હંકારી પલાયન થઈ ગયો હતો. યુવાનને પેટ, કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે જુદીજુદી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. ઘટના બાદ બન્ને વચ્ચે સમાધાનની વાટાઘાટો ચાલતી હતી, પરંતુ સમાધાન ન થતા જયેશભાએ બનેવી કરણીદાન સામે ફોજદારી નોધાવી હતી. જે અંગે પોલીસે હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.