- એકના એક દીકરાના મોતના સમાચારથી પરિવારમાં માતમ છવાયો
- રાધનપુરની ખાનગી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો હતો સગીર
- ટ્રકની ટકકરે સગીરનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયું
રાધનપુર-કંડલા હાઈવે પર અકસ્માતની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. પુર ઝડપે આવતા ટ્રક ચાલકો નિર્દોષ લોકોને ટ્રકની અડફેટ લઈને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આજે સોમવારે રાધનપુર –કંડલા હાઈવે પર ખેતીવાડી ઉત્પન બજારની સામે ટ્રકની ટકકરે 15 વર્ષિય સગીરનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ હતુ.
રાધનપુરના પરા વિસ્તારમાં આવેલ પીરવાળી શેરીમાં રહેતો અને રાધનપુર કે. બી. વકીલ હાઈસ્કુલમાં ધો. 9 માં અભ્યાસ કરતો જયમીન પ્રવિણભાઈ પટેલ (ઉ. વ 15) બપોરના સમયે રાધનપુર-કંડલા હાઈવે પર સાઈકલ લઈને કોઈ કામ અર્થે જતો હતો, તેવા સમયે પાલનપુર તરફતી આવતી ટ્રકના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને સાઈકલ લઈને જતા જયમીનને પાછળથી ટકકર મારતા તેનુ ન જોઈ શકાય તેવુ ઘટના સ્થળેજ મોત થયું હતું.
અકસ્માત થતાની સાથે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જયારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક તેજ ઘડીએ પોતાની ટ્રક મુકી રફુચકકર થઈ ગયો હતો. આમ એકના એક વહાલસોયા દીકરા જયમીનનુ અકસ્માતે મોત થયાના સમાચાર પરિવારને મળતાની સાથેજ પરિવારમાં માતમ છવાયો હતો. મૃતકનુ પોસ્ટમોર્ટમ રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યુ હતુ. જે અકસ્માતે મૃતકના પિતાએ ટ્રક ચાલક વિરૂધ્ધ રાધનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.