- મુખ્ય પાક તરીકે ખેડૂતો કઠોળ દિવેલા અને કપાસનું વાવેતર કરતા હોય છે
- દીવેલાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ વધતા ખેડૂતોના મુખ પર ચિંતાના વાદળો છવાઈ ગયા
- ભારે વરસાદને કારણે ખેડૂતોના કઠોળ, દિવેલા તેમજ કપાસના પાકને નુકસાન
ચાલુ સાલે રાધનપુર સહિત અન્ય તાલુકામાં આવેલ પાછોતરો તેમજ ભારે વરસાદને કારણે ખેડૂતોના કઠોળ, દિવેલા તેમજ કપાસના પાકને નુકસાન થવા પામ્યું છે. જ્યારે રાધનપુર તાલુકામાં હાલમાં કપાસના પાકમાં સુકારા નામના રોગે દેતા ખેડૂતો ચિંતિત બની ગયા છે.
રાધનપુર તાલુકામાં તાજેતરમાં ખાબકેલો વરસાદ ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થયો છે. ભારે વરસાદથી ખેડૂતોએ મહામહેનત કરીને વાવેલ પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને ચાલુ સાલે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાધનપુર તાલુકામાં મુખ્ય પાક તરીકે ખેડૂતો કઠોળ દિવેલા અને કપાસનું વાવેતર કરતા હોય છે. પરંતુ ચાલુ સાલે રાધનપુર તાલુકામાં પાછોતરા અને અતિ ભારે વરસાદને કારણે દિવેલાના પાકમાં ઈયળો ઉપદ્રવ જ્યારે બચેલા કપાસના પાકમાં સુકારા નામના રોગે દેખા દેતાની સાથે જ ખેડૂતોના મુખ પર ચિંતાના વાદળો છવાઈ ગયા છે. રાધનપુર તાલુકામાં ચાલુ સાલે બિટી કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. પરતું વધુ વરસાદને કારણે કપાસના પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા કપાસના છોડના મૂળમાં અને પત્તા ઉપર સુકારા નામના રોગે દેખા દીધી છે. ત્યારે સુકારો આવતાની સાથે જ કપાસ નો પાક સુકાઈ જાય છે અને તાત્કાલિક રીતે કપાસના છોડની વૃદ્ધિ અટકી જાય છે. જેને કારણે કપાસના ઉત્પાદનમાં મોટા પ્રમાણમાં ઘટાડો આવવાની શક્યતાઓ તાજેતરમાં દેખાઈ રહી છે.
આ બાબતે રાધનપુર તાલુકાના ખેડૂત બચુભાઈએ જણાવ્યા હતું કે ચાલુ સાલે ભારે વરસાદને લઈને તમામ પાકને નુકસાન થયુ છે. જ્યારે પેલા દિવેલામાં ઈયળો આવી જ્યારે બચેલા કપાસના પાકમાં સુકારો જોવા મળી રહ્યો છે. સુકારાને કારણે છોડ સુકાય છે. છોડ પર કેરી બેસતી નથી. જેને કારણે કપાસના ઉત્પાદનમાં મોટો ઘટાડો આવે છે.