- ખેડૂતોએ નર્મદા ઓફિસે આવી પાણી છોડવા માટે ઉગ્ર માંગ કરી
- બે દિવસમાં પાણી નહીં મળે તો ઉચ્ચકક્ષાએ રજૂઆતની ચીમકી
- નર્મદા વિભાગના લાપરવાહ અને આળશુ અધિકારીઓ સામે ભારે રોષ પ્રગટ કરી રહયાં
રાધનપુર તાલુકાના કામલપુર, બાદરપુરા ગામ નજીક પસાર થતી મસાલી ડિસ્ટ્રિબ્યૂટરી કેનાલમાં એક માસથી પાણીની જરૂરીયાતના સમયે પાણી ન મળતા રાધનપુર નર્મદા ઓફિસમાં આવી ખેડૂતોએ તાત્કાલીક ધોરણે પાણી છોડવાની ઉગ્ર માંગ કરી હતી. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પસાર થતી નર્મદા કેનાલોમાં વારંવાર ગાબડાંઓ પડવા તેમજ ખેડુતોને પાણીની જરૂરિયાતના સમયે પાણી ન મળતા બંન્ને તાલુકાના ખેડુતો નર્મદા વિભાગના લાપરવાહ અને આળશુ અધિકારીઓ સામે ભારે રોષ પ્રગટ કરી રહયાં છે.
ગુરૂવારના રોજ રાધનપુર તાલુકાના કમાલપુર, બાદરપુરા, માનપુરા, ધરવડી સહિત ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં નર્મદા ઓફિસ ખાતે આવી પાણી છોડવાની ઉગ્ર માંગ કરી હતી.અને નર્મદા વિભાગ સામે ઉગ્ર બનેલા ખેડુતોએ જણાવ્યુ હતુ કે રાધનપુર બ્રાન્ચ કેનાલની માનપુરા સબ બ્રાંચ કેનાલમાથી નીકળતી મસાલી ડિસ્ટ્રિબ્યૂટરી કેનાલમાં છેલ્લા એક માસથી પાણી મળતુ નથી.જેને કારણે તાજેતરમાં કેનાલના પાણીની આશાએ વાવેલ ઘઉં,ચણા,સહિત પાકો સુકાઈ રહયાં છે.મસાલી કેનાલમાં પાણી છોડવા માટે ખેડુતોએ નર્મદા ઓફિસમાં અનેકવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરી છે. પરંતુ આજદિન સુધી કેનાલમાં પાણી મળ્યુ નથી.
બે દિવસમાં પાણી નહીં મળે તો ઉચ્ચકક્ષાએ રજૂઆતની ચીમકી
બાદરપુરાના મુકેશભાઈ સોલંકીએ જણાવ્યુ હતુ કે, માનપુરા,નાનાપુરા, બાદરપુરા, ધરવડીમાં એક માસથી પાણી મળતુ નથી. અધિકારી અમોને બે દિવસમાં પાણી મળી જશે તેવુ કહયુ છે.પરંતુ બે દિવસમાં અમોને પાણી નહી મળે તો અમો તમામ ખેડુતો એકસાથે રહી ગાંધીનગર ઉચ્ચકક્ષાએ રજુઆત કરશુ.