રાજકોટના રૈયા વિસ્તારમાં વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યો છે. શહેરમાં ટ્રાફિક પોલીસ સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર બનતી ટ્રાફિક જામની ઘટનાઓને લઈને વેપારીઓ અને દુકાનદારોએ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા દંડ મામલે બંધ પાળ્યો છે. આ વિરોધમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાયા હતા.
ઠેર ઠેર સર્જાતા ટ્રાફિકજામથી વેપારીઓ પરેશાન
રાજકોટમાં રૈયા વિસ્તારમાં વેપારીઓએ બપોર સુધી બંધ પાડ્યો છે. દુકાનમાં ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોને ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે. રૂપિયા 500ની ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકને રૂપિયા 700થી 1000નો મેમો ફટકારવામાં આવે છે. વેપારીઓ કહી રહ્યા છે કે વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા દૂર થતી નથી અને દંડ પણ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
વેપારીઓને ફટકારવામાં આવે છે મેમો
વેપારીઓ દ્વારા બપોરે 1 વાગ્યા સુધી બંધ પાડી વિરોધ કરવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા અને ગ્રાહકો તેમજ વેપારીઓને ફટકારવામાં આવતા મેમાના વિરોધમાં બપોર સુધી બંધ પાડવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે જામનગર ઉપરના સાંઢિયા પુલની અંદર નવીનીકરણના કારણે પુલ બંધ હોવાથી રૈયા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધ્યુ છે.
જેતપુર-જૂનાગઢ હાઈવે પર અકસ્માતમાં 5ને ઈજા
બીજી તરફ જેતપુર-જૂનાગઢ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 લોકોને ઈજા પહોંચી છે. પીપળવા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે. પૂર ઝડપે આવતી કારે બે બાઈકને અડફેટે લીધી. કાર અને બાઈક બંને સાઈડના ખાડામાં ઉતરી ગયા અને બાઈક પર સવાર યુવતી સહિત 5 લોકોને ઈજા પહોંચી છે. હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે. જેતપુર તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.