– રવિવારે સાંજે ન્યારી ડેમમાંથી લાશ મળી આવી
રાજકોટ : રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ તરીકે નોકરી કરતાં મૂળ તામિલનાડુના અરૂણકુમાર સેલ્વરાજ (ઉ.વ.૨૬)ની ગઇકાલે સાંજે ન્યારી ડેમમાંથી લાશ મળી આવી હતી. તેણે આપઘાત કરી લીધાની દ્રઢ શંકા પોલીસે દર્શાવી છે. જો કે આપઘાત પાછળનું કોઇ ચોક્કસ કારણ પોલીસને જાણવા મળ્યું નથી.
મૃતક મૂળ તામિલનાડુનો વતની, અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલથી ડેપ્યુટેશન ઉપર રાજકોટ આવ્યો હતો
પોલીસે જણાવ્યું કે અરૂણકુમાર અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટ તરીકે નોકરી કરતો હતો. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં રેડિયોલોજીસ્ટની જગ્યા ખાલી પડતાં અગર તો તે રજા પર જતાં અરૂણકુમારને ડેપ્યુટેશન ઉપર બોલાવવામાં આવ્યો હતો. જેથી તે ગત ગુરુવારે રાજકોટ આવ્યો હતો.
શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ તેણે નોકરી કરી હતી. ગઇકાલે રવિવારે તેને રજા હતી. કોઇપણ રીતે તે ન્યારી ડેમ પહોંચ્યો હતો. મોડી સાંજે ડેમમાં તેની લાશ તરતી જોઇ કોઇ જાગૃત નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જેને કારણે તાલુકા પોલીસની પીસીઆર અને ૧૦૮નો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. ૧૦૮ના સ્ટાફે જ અરૂણકુમારની લાશ બહાર કાઢી હતી.
તાલુકા પોલીસે તેની પાસેથી મળેલા આઈડીના આધારે ઓળખ મેળવી સાથી તબીબો વગેરેને જાણ કરી હતી. તામિલનાડુ રહેતા તેના વાલીઓને પણ જાણ કરવામાં આવી છે. હાલ તાલુકા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી છે. તપાસ કરનાર એએસઆઈ જી.કે. પરમારે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બનાવ આપઘાતનો જ હોવાનું જણાય છે. મૃતકે મોબાઇલમાં સર્ચ કરી ન્યારી ડેમનું લોકેશન મેળવ્યાનું પણ જણાય છે. પરિવારજનોની પૂછપરછ પછી જ મોત પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે.