Acid Attack on Woman : રાજ્યમાં સ્ત્રી અત્યારચાર અને બળાત્કાર, છેડતીના કિસ્સાઓનું પ્રમાણ સતત વધતું જાય છે. ત્યારે રાજકોટના સોખડામાંથી હિચકારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવકે મહિલા પર એસિડ વડે હુમલો કર્યો છે. જેના લીધે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના સોખડા ગામે ઘરમાં ઘુસીને મહિલા પર એસિડ વડે હુમલો કરાયો છે. પ્રકાશ સરવૈયાના નામના યુવકની સોખડા ખાતે રહેતા વર્ષાબેન માધવભાઈ ચોથાભાઈ ગોરિયા ઉંમર વર્ષ (34)ની કાકાની દીકરી સાથે સગાઇ થઇ હતી.
જોકે સગાઇ બાદ તે યુવતીએ અન્ય યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતાં તે યુવતીને શોધતો હતો. આ દરમિયાન તે સ્ટીલની બરણીમાં એસિડ ભરીને વર્ષાબેન ગારિયા ઘરે ગયો હતો અને તેમના પર એસિડ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ મામલે મહિલા કુવાડવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં પોલીસે શોધખોળ આદરી હતી. અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.