Last Updated:
ધુળેટી રંગનું પર્વ છે. તેમજ આ દિવસે લોકો એકબીજાને રંગ ઉડાડે છે. પરંતુ કોઈની મરજી વગર રંગ ઉડાડવો ગુનો બને છે અને જેલની સજા પણ થઈ શકે છે. આવો જાણીએ.
જામનગર: રંગોના પર્વ હોળીના ઉત્સવને હવે ઘડીઓ ગણાય રહી છે ત્યારે બાળકો અને ખાસ યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરતા હોય છે. જેમાં અમુક કિસ્સાઓમાં રંગ ઉડાવવા બાબતે ક્યાંક માથાકૂટની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. શું તમે જાણો છો? કોઈની મરજી વગર તેના પર રંગ લગાડવાથી ગુનો બની શકે છે. જામનગર જિલ્લામાં આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં આવું કરવા પર એક વર્ષ સુધીની સજા સૂચવવામાં આવી છે.
જામનગર જિલ્લામાં હોળી અને ધુળેટી દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ભાઈચારાથી પર્વની ઉજવણી થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા સૂચવવામાં આવ્યું છે. જાહેરનામામાં સત્તાવાર રીતે જાહેર કરાયેલ વિગત અનુસાર કોઈપણ વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ તેના પર રંગ છાંટવો નહીં. જો તેની ઈચ્છા ન હોય તો કોઈ પણ વ્યક્તિ પર કલર ઉડાડી શકાતો નથી. તેમજ કોઈ વ્યક્તિ, કે સંપ્રદાયની લાગણી દુભાય તેવા શબ્દો અથવા સૂત્રો પોકારવા કે બોલવા નહીં, વધુમાં વિવાદાસ્પદ પત્રિકા, પ્લે કાર્ડ અથવા વિચિત્ર આકૃતિઓ કે વસ્તુઓ ના બનાવવા પણ જણાવ્યું છે.
જામનગર જિલ્લામાં આવી તમામ પ્રવૃત્તિઓ કરવા પર સત્તાવાર રીતે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જામનગર શહેર અને જિલ્લાભરમાં આ જાહેરનામું તા.12-3-2025ના સાંજે 6:00 કલાકથી આગામી તા.14-3-2025ના 24:00 કલાક સુધી અમલમાં રહેશે. જેનો લોકોએ ચુસ્તપણે અમલ કરવા તાકીદ કરાઈ છે.
આ પણ વાંચો: તલવાર, હથોડી, કુહાડી, ત્રિશુલ પિચકારીની ધૂમ ખરીદી, 80 લાખ રૂપિયાનું ટર્નઓવર
એટલું જ નહીં મનાઈ હોવા છતાં પ્રતિબંધિત વસ્તુઓ કરવા પર જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધાઈ શકે છે અને આમ કરવા પર ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135(1) હેઠળ કાયદેસરની કાર્યવાહી થાય છે. જેમાં ઓછામાં ઓછા 4 મહિનાની અને વધુમાં વધુ 1 વર્ષની કેદની સજા થઈ શકે છે.
Jamnagar,Gujarat
March 12, 2025 3:52 PM IST