- રાધનપુર શહેરની આશીર્વાદ હાર્ટ કેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી
- ટેબ્લેટ ગળવા જતાની સાથે જ ટાંકણી નજરે પડતાં દર્દી ભયભીત થઈ ગયા હતા
- તાત્કાલિક રાધનપુર હોસ્પિટલના ડોકટર પ્રવીણ ઓઝાનો સંપર્ક કર્યો
રાધનપુર ખાતે આવેલ આશિર્વાદ હાર્ટ કેર હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના તબીબે દર્દીને આપેલ દવાની ગોળીમાંથી ધારદાર ટાંકણી જેવો ટુકડો નીકળતા હોસ્પિટલ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મુમૈયા ગામના વતની કાંતાબેન છેલ્લાં ત્રણ માસથી રાધનપુર ખાતે આવેલ આશીર્વાદ હાર્ટ કેર હોસ્પિટલમાં દવા લેતા હતા જેઓને દવાની ટેબ્લેટમાંથી ટાંકણી આકારનો અણીદાર ટુકડો નીકળતા આશીર્વાદ હોસ્પિટલ ડોક્ટર તેમજ દવાનું ઉત્પાદન કરતી એજન્સીની ઘોર બેદરકારી સામે આવી છે. દર્દી ટેબ્લેટ ગળવા જતાની સાથે જ ટાંકણી નજરે પડતાં દર્દી ભયભીત થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક રાધનપુર હોસ્પિટલના ડોકટર પ્રવીણ ઓઝાનો સંપર્ક કર્યો હતો.આમ દવાની ટીકડીમાં ટાંકણી આકાર જેવો ટુકડો દર્દી ગળી જાય અને દર્દીનું સ્વાસ્થ્ય બગડી જાય અને દર્દી માટે ખતરનાક સાબિત થાય તો આના માટે જવાબદાર કોણ? જેવા અનેક પ્રશ્નો લોક માનસમાં ઉપસ્થિત થયા હતા. આ બાબતે દર્દી કાંતાબેને જણાવ્યું હતું કે મારે છાતીના ભાગે ગાંઠ હોવાથી છેલ્લા ત્રણ માસથી મારે રાધનપુર ખાતે આવેલ આશીર્વાદ હાર્ટ કેર હોસ્પિટલની દવા ચાલી રહી છે અને દવાની ગોળીમાંથી ટાંકણી નીકળતા અમોએ રાધનપુર આશીર્વાદ હોસ્પિટલના ડોક્ટર પ્રવીણભાઈ ઓઝાનો સંપર્ક કર્યો હતો. તે સમયે તેઓએ જણાવ્યું હતું કે તમારે જે કરવું હોય તે કરો અમને વચ્ચે લેશો નહીં. આ બાબતે રાધનપુરના હેલ્થ ઓફ્સિર ઠક્કરે જણાવ્યું હતું કે આશિર્વાદ હોસ્પિટલના તબીબનું નિવેદન લેવામાં આવ્યું છે. જેને આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.