– વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી નહીં
– સાંજ ઢળતા જ યુનિ. કેમ્પસમાં અંધારપટ્ટ છવાતો હોય સુરક્ષા વ્યવસ્થામાં છીંડા
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવા અને જુના કેમ્પસમાં લાંબા સમયથી ઘણી સ્ટ્રીટલાઇટો બંધ હાલતમાં રહેવા પામી છે જેનો ગેરલાભ આવારા તત્વો લેતા હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે. ખુદ મહારાજા સાહેબના બાવલાની ફરતે લાઇટ પણ બંધ રહેવા પામી છે. જે અંગે સત્વરે કાર્યવાહી કરવી જરૂરી બની છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના નવા અને જુના કેમ્પસમાં રાત્રિ સુરક્ષા માટે સ્ટ્રીટ લાઇટો ફીટ કરવામાં આવી છે અને તેની જાળવણી માટે કોન્ટ્રાક્ટ પણ અપાય છે. જેનું સુચારૂ સંચાલન બાંધકામ વિભાગ દ્વારા કરવામાં આવે છે. પરંતુ છેલ્લા લાંબા સમયથી યુનિ. કેમ્પસની મોટાભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે. યુનિ.નો આંતર કોલેજ યુવક મહોત્સવ વખતે વિવિધ ઇવેન્ટો રાત્રિ સુધી પણ શરૂ રહેતી હોવાથી આ બંધ સ્ટ્રીટ લાઇટો શરૂ કરવા પત્ર પણ થયો હતો. પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધીની કહેવતની જેમ હાલની સ્થિતિએ પણ ઘણી લાઇટો બંધ હાલતમાં હોય શિયાળામાં દિવસ ઢળતા જ કેમ્પસમાં અંધારપટ છવાઇ જાય છે જેનો ગેરલાભ અસામાજિક તત્વો લઇ શકે છે. જો કે, સિક્યુરીટી ગાર્ડની નિમણૂક કરાઇ છે પરંતુ લાઇટનો પ્રકાશ હોય તો સિક્યુરીટી પણ કાઇક કરી શકે. અંધારામાં અનિચ્છનિય ઘટના પણ બની શકે છે. આમ અવાર નવાર સ્ટ્રીટ લાઇટોની ફરિયાદ કરવા છતાં આ લાઇટોનું રિપેરીંગ કામ હાથ ધરવામાં આવતું નથી અથવા માત્ર કાગળ ઉપર રિપેરીંગ થતું હોવાનું ભાસે છે. યુનિવર્સિટી મુખ્ય કાર્યાલય સામે આવેલ મહારાજા સાહેબના બાવલા ફરતેની લાઇટો પણ બંધ હાલતમાં હોય જે તમામ બાબતે બાંધકામ વિભાગ દ્વારા સત્વરે યોગ્ય પગલા લેવાવા જરૂરી બન્યા છે.