રેલવે બોર્ડે યાત્રિકોની સુવિધામાં વધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી ભાવનગર-હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19271/19272) ને અઠવાડિયામાં બે દિવસ ચલાવવાની મંજૂરી આપી છે. હવે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવાર અને ગુરુવારે ચાલશે એટલે કે અઠવાડિયામાં બે દિવસ ચાલશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, અત્યાર સુધી ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર સોમવારે રાત્રે 20.20 વાગ્યે ઉપડે છે અને બુધવારે 03.40 વાગ્યે હરિદ્વાર પહોંચે છે. પરત દિશામાં, આ ટ્રેન બુધવારે સવારે 05.00 કલાકે હરિદ્વારથી ઉપડે છે અને ગુરુવારે સવારે 12.25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચે છે.
ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે, રેલ્વે બોર્ડની મંજૂરી મળ્યા બાદ હવે ભાવનગર-હરિદ્વાર ટ્રેન અઠવાડિયામાં બે દિવસ દોડશે. આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર સોમવાર અને ગુરુવારે તથા હરિદ્વારથી દર બુધવાર અને શનિવારે દોડશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભાવનગરથી હરિદ્વાર જતી ટ્રેન ટૂંક સમયમાં શરૂ થશે અને ટ્રેનના સમય અને સ્ટોપેજ અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.