- આજે આમલકી એકાદશી પર્વ નિમિત્તે શ્રીજીની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા નીકળશે
- દિવસથી ફાગણી પૂનમ મેળાનો પ્રારંભ થશે મંદિરની પરંપરા મુજબ
- શોભાયાત્રામાં ભકતો અબીલ ગુલાલની છોળ ઉડાડીને નાચગાન કરીને ભકિતના રંગમાં રંગાઇ
યાત્રાધામ ડાકોરમાં આજે બુધવારે આમલકી એકાદશી પર્વ નિમિત્તે ભકતોનો મહેરામણ ઊમટી પડશે. આ દિવસથી ફાગણી પૂનમ મેળાનો પ્રારંભ થશે મંદિરની પરંપરા મુજબ સાંજે ઉત્થાપન આરતી બાદ મંદિરમાંથી સુવર્ણ પાલખીમાં ભગવાનની વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં ભકતો અબીલ ગુલાલની છોળ ઉડાડીને નાચગાન કરીને ભકિતના રંગમાં રંગાઇ જશે. મોડીસાંજ નગરના લાલબાગમાં ભગવાન સાથે અબીલ ગુલાલ સહિત વિવિધ રંગોથી ભકતો હોળી ખેલીને ધન્યતા અનુભવશે. યાત્રાધામ ભકતોના જય રણછોડના નાદથી સતત ગુંજતું રહેશે. સમગ્ર નગર રણછોડમય બની જશે.
યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં બુધવારે આમલકી એકાદશી પર્વ આસ્થાભેર ઉજવાશે. આ દિવ્ય પ્રસંગે ભગવાનને વિશેષ શ્વેત વાઘા અને આભૂષણોનો શણગાર કરવામાં આવશે. એકાદશી પર્વ નિમિતે સાંજે ઉત્થાપન આરતી બાદ નિજ મંદિરમાંથી શ્રીજીના બાળસ્વરૂપ ગોપાલલાલજી મહારાજની સુશોભિત કરાયેલી સુવર્ણ પાલખી પર ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. ભગવાન ગોપાલ લાલજી મહારાજ વસંતઋતુ ને નિહાળાશે. આ શોભાયાત્રા મંદિર માંથી વાજતે ગાજતે નીકળીને કંકુ દરવાજા થઇ ગૌશાળા થઇને શોભાયાત્રા સાંજે 6.30 વાગ્યાના અરસામાં લાલબાગ ખાતે પહોંચશે. જયાં ભગવાન ગોપાલલાલજી મહારાજ ની આરતી અને ભોગ ધરાવવામાં આવશે. તેમજ ભકતો અબલી ગુલાલ સહિત વિવિધ રંગોની છોળ ઉડાડીને ભગવાન સાથે હોળી રમ્યાનો ભાવ પ્રગટ સાથે આનંદ માણીને ધન્યતા અનુભવશે. ત્યાંથી આ શોભાયાત્રા વિવિધ માર્ગો પર થઇને લક્ષ્મીજી મંદિરે જશે. ત્યાંથી શોભાયાત્રા મોડી સાંજે નિજ મંદિરમાં આવશે. જયાં ભગવાનની ઇડીપીંડી (નજર ઉતારવામાં આવશે ) કરવામાં આવશે. આ શોભાયાત્રામાં વડોદરા, ઉમરેઠની ભજન મંડળી દ્વારા હોળી ઉત્સવના ભજન કિર્તનની રમઝટ બોલાવશે. આ ઉત્સવને લઇને મંદિર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આ દિવસથી ફાગણી હોળી પૂનમના મેળાનો વિધિવતરીતે પ્રારંભ થશે. આ પૂનમે જિલ્લા સહિત અમદાવાદ ,વડોદરા, પંચમહાલ તેમજ રાજય ભર માંથી મોટી સંખ્યામાં પદયાત્રા સંઘો ધજા સાથે મોટી સંખ્યામાં પદયાત્રિકો આવશે. યાત્રાધામમાં મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.