- દીપડાના કથિત ફૂટમાર્ક પણ મળી આવ્યા હોવાની ચર્ચા
- ખેતરથી દુર જંગલમાં ફરતો હોવાની વધુ એકવાર ચર્ચા ચાલી છે
- પદચિન્હોથી તેની હાજરી જંગલમાં હોવાની લોકચર્ચા ચાલી છે
દહેગામમાં દીપડાના હુમલાની ઘટનાને બે મહિના કરતા પણ વધુ સમય વિતી ગયો હોવા છતા તેની દહેશત કાયમ છે. વધુ એક દાવો મોતીપુરાની સીમમાં આવેલા એક ખેડૂતે કર્યો હતો અને ઘઉના ખેતરમાંથી રોઝડુ ભગાવવા માટે ગયા ત્યારે ખેતરમાં દીપડાને જોયો હોવાના દાવો કર્યો હતો. ખેતરમાંથી જંગલમાં ગરકાવ થઇ ગયો હતો. સવારે લોકોએ સ્થળ ઉપર તપાસ કરી તો દીપડાના કથિત ફુટમાર્ક પણ મળ્યા હતા. જેથી દીપડો હવે સીમ અને ખેતરથી દુર જંગલમાં ફરતો હોવાની વધુ એકવાર ચર્ચા ચાલી છે.
બે મહિનામાં કડજોદરામાંથી નીકળી ગયા બાદ દીપડાને કોઇએ જોયો નથી પરંતુ તેને જોયાના દાવા ઘણીવાર થઇ ચુક્યા છે. આંબલીયા તળાવ પાસેના ખેતરોમાં તેમજ થાંભલીયા વિસ્તારમાં શિયાળના મારણ કરેલા અવશેષો તેમજ જાડીમાં બોખ જોવા મળી હતી. મોતીપરાનુ જંગલ થાંભલીયાથી 4-5 કિલોમીટરના અંતરે આવેલુ છે અને દહેગામની હદમાં આવે છે. ઘોર જંગલમાં વચ્ચે આવેલા સાપરીયા હનુમાનજી મંદિરની આસપાસ દીપડાને આંટાફેરા મારતો હોવાની ચર્ચા છે. આ વિસ્તારમાંથી ફુટમાર્ક પણ મળ્યા છે જે દીપડાના ફુટમાર્ક હોવાનુ ગ્રામજનોએ જણાવ્યુ હતુ. મોતીપુરાના જંગલમાં દીપડાની હાજરીના દાવાથી એક વાત સ્પષ્ટ થઇ હતી કે કડજોદરા કે થાંભલીયા સહીતના વિસ્તારોમાથી નીકળી ગયો છે. જંગલમાં જતો રહ્યો છે. જોકે કડજોદરા, ગલેવા કે થાંભલીયા વિસ્તારોમાં દીપડાની કોઇ મુવમેન્ટ છેલ્લા બે માસમાં જોવા નથી મળી. હવે વધુ એકવાર મોતીપુરાના જંગલમાંથી મળી આવેલા પદચિન્હોથી તેની હાજરી જંગલમાં હોવાની લોકચર્ચા ચાલી છે.