- રેતીનો સ્ટોક કમ વોશિંગ પ્લાન્ટ સુરતના કોઈક વેપારીથી સંચાલિત અને કાર્યરત
- માટી મિશ્રિાત પાણી ઠલવાતા નદીનું વહેણ બંધ થતા ચોમાસામાં તકલીફ ઊભી થશે
- વિસ્તારના પર્યાવરણને બગાડતા રેતી સ્ટોકને E.C. સર્ટિફિકેટ કોણે આપ્યું ? ઉઠેલા સવાલ
બોડેલીના મોડાસર ચાર રસ્તા નજીક આવેલો એક રેતી વોશિંગ કરવાનો પ્લાન્ટ નર્યું પ્રદુષણ ઓકે છે. મોડાસરથી સંખેડા જવાના માર્ગે ચોકડીથી થોડેક જ અંતરે આ રેતીનો સ્ટોક કમ વોશિંગ પ્લાન્ટ સુરતના કોઈક વેપારીથી સંચાલિત અને કાર્યરત છે. જેમાંથી ઉત્સર્જિત માટી યુક્ત પાણી, ઘટ્ટ સ્નિગ્ધતાવાળું પ્રવાહી કોતરમાં ઠલવાય છે. આ રગડો બાજુમાં જ આવેલ એક ઇન્ડસ્ટ્રીમાં થઇ ઓરસંગ નદીમાં ભળે છે. પર્યાવરણને વ્યાપક નુકસાન કરતા જાહેરમાં ઉત્સર્જન કરતા માટીના રગડાથી ઓરસંગ નદી દૂષિત થઇ રહી છે. રેતી ઉલેચી ઓરસંગને દૂષિત કરાતી હોવા છતાં જિલ્લા ખાણ ખનીજ વિભાગ ભેદી મૌન સેવી બેઠું છે. ખનિજના નિયમોમાં E.C.સર્ટિફ્કિેટ વિના રેતી લિઝ કે, સ્ટોક મંજુર કરતો જ નથી. આ સ્ટોક અને રેતી વોશિંગનો પ્લાન્ટ ખુલ્લે આમ સરકારના તમામ કાયદાઓ ઘોળી પી જતાં હોવા છતાં કોઇ તંત્ર કઇ પણ કરવા તૈયાર નથી.
મોડાસર ચીકડી પાસે રેતીનો એક સ્ટોક આવેલો છે. આ સ્ટોકના રેતી વોશિંગ મશીનમાંથી માટી મિશ્રિાત પાણી રોડ પરના ગરનાળાને પસાર કરી એક ખાનગી ઇન્ડસ્ટ્રીમાંથી પસાર થઈ ઓરસંગ નદીમાં ઠાલવે છે. માટી મિશ્રીત પાણી ઓરસંગમાં ઠલવાય છે. જેથી કોતર માટીથી સંપૂર્ણ ભરાઇ જાય છે. જેમ જેમ તેની સપાટી વધે છે. તેમ તેમ પાણી વહેણનો માર્ગ પણ બંધ થયો છે. આ પ્રવાહી રગડા જેવું હોય છે. માટીના ઝીણા કણો કોતરની માટીને સિલ કરી દે છે. જેથી પાણી જમીનમાં શોષાતું પણ નથી. તે સાથે જ કોતર જાણે લાઇનિંગવાળી કેનાલ જેવું બની જતાં તેમાં રગડો ડિપોઝીટ થઇ જાડું અસ્તર બન્યું છે. વરસાદી કુદરતી પાણીના વહેણનો માર્ગ ચોમાસા પૂર્વે જ ચોકઅપ થઇ જશે તેવું દ્રશ્ય નજરે પડે છે. સ્ટોકની આજુબાજુના ઉદ્યોગગૃહોના માલિકો પણ હેરાન થઇ ગયા છે. આખેઆખું કોતર રેતી ધોવાણના રગડાથી આચ્છાદિત છે. હજી પણ કોતરમાં સતત આવો કાંસ ઠલવાઈ રહ્યો છે. નદીમાં પ્રદુષણ ઓકવામાં આવે છે. ખાણખનિજ વિભાગ મૂકપ્રેક્ષક બની માત્ર તમાશો જ જોઇ રહ્યું છે.
રેતી વોશિંગ પ્લાન્ટમાંથી નર્યું પ્રદૂષણ ફેલાતું હોઇ સ્ટોક પર પ્રતિબંધ મુકવા માગ
છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદીના પટમાં હવે રેતીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે.જેથી ઠેર-ઠેર બારમાસી રેતીના સ્ટોકના ગંજ ખડકાયા છે. રેતી સ્ટોકની સાથે હવે માટી વાળી રેતી નું વોશિંગ કરવાના ઓટોમેટીક મશીનો પણ આવ્યા છે. રેતી ધોઈને માટી અલગ કરી વેચાણ કરવાનો વેપાર હવે ખૂબ જ ફલ્યો છે. રેતી વોશિંગ કરવાના પ્લાન્ટ માંથી બારીક કલે પાર્ટીકલ્સ અલગ તારવવામાં આવે છે. જે પાણી સાથે કોતરમાં વ્હેડાવાતા હોય છે. છોટાઉદેપુર જિલ્લામાં જેટલા પણ રેતી વોશિંગના પ્લાન્ટ આવેલા છે તે તમામ સ્થળો પર પર્યાવરણનું વ્યાપક નખ્ખોદ વાળવામાં આવે છે. આવા સ્ટોક પર પ્રતિબંધ મુકવા માગ થઇ રહી છે.
વરસાદી વહેણને નદીઓમાં ઠલવાતા વિશાળ કોતરો માટીથી પુરાવા લાગ્યા
રેતીનું વોશિંગ કરવાના મશીનો હવે એક જગ્યાએ નહીં છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર લાગી ગયા છે. દરેક જગ્યા પરથી આ પ્રકારની ગ્રામીણ નાગરિકોમાંથી પણ બૂમો ઊઠી રહી છે. નાણાં કમાવાની લ્હાયમાં ગામડાઓમાં વરસાદના વહેણને ઝીલીને નદીઓમાં ઠાલવતા વિશાળ કોતરો હવે માટીથી પુરાવા લાગ્યા છે.
રેતી વોશિંગ સાથેના સ્ટોકની કલેકટર તપાસ કરે
છોટાઉદેપુરના પર્યાવરણને નુકસાન કરનાર રેતી વોશિંગના સ્ટોકને લાયસન્સ કોણ આપે છે ? છોટાઉદેપુરમાં ખનીજ વિભાગની કચેરી સેવાસદન કલેક્ટર કચેરીથી બે ફ્લાંગ જ દૂર ધમધમે છે. અધિકારીઓએ મંજૂર કરેલ ફઈલોની કલેકટર દ્વારા પુનઃ તપાસ કરવી જરૂરી છે.
પાણેજ પાસે રેતીના સ્ટોક પર હલ્લાબોલ કરાયો હતો
આજ પ્રકારની એક જાહેર સમસ્યા પાણેજ પાસેના એક રેતી સ્ટોક પાસે એક વર્ષ પહેલાં ઉભી થઇ હતી. સ્થાનિક નાગરિકો દ્વારા હલ્લાબોલ કરાયો હતો. ધારાસભ્ય અભેસિંહ તડવીને પણ સ્થળ પર તેડાવ્યા હતા. ત્યાર પછી તે રેતી સ્ટોક તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો હતો. થોડા દિવસ એ સ્ટોક બંધ રહ્યો હતો. અને ફ્રી પાછો શરૂ પણ થઈ ગયો હતો.
પંથકમાં ઠેર-ઠેર રેતીના ગગનચુંબી સ્ટોક,
બોડેલીથી છોટાઉદેપુર હાઇવે પરથી તમે નીકળો તો હાઈવેની બંને તરફ્ અનેક ગગન ચુંબી રેતીના સ્ટોક જોવા મળશે. મોટાભાગના આ સ્ટોક પર રેતી વોશિંગના મશીનો પણ લાગેલા છે. ખાણ ખનીજ વિભાગમાં વગ વાપરીને સુરતના રેતીના સ્ટોક સંચાલકોએ ઓટોમેટિક રેતી વોશિંગ મશીન પણ મૂકી દીધા છે.