- શૈલેષને ગામની રસીકા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ
- પ્રેમ સંબંધમા પતિએ જ પત્નીની હત્યા કરી લુંટનું તરકટ ઉભુ કર્યુ
- પોલીસે શૈલેષ તેમજ પ્રેમિકા રસિકા બન્નેની ધરપકડ કરી
ઝાલોદના મોટી મહુડી ખાતે થયેલ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં પ્રેમ સંબંધમા પતિએ જ પત્નીની હત્યા કરી લુંટનું તરકટ ઉભુ કર્યું હતું. બે દિવસ પહેલા ઝાલોદ તાલુકાના મોટીમહુડી ખાતે રાત્રિના સમયે બાઈક ઉપર જઈ રહેલા દંપતિને માર મારી લૂંટ ચલાવવામા આવી હતી. જેમાં પત્નીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી હતી.
સુમસાન જગ્યામા બાઈક સાથે ગટરમા પાડી દીધી
એલસીબી સહિતની પોલીસ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કરતાં ફરિયાદી જ આરોપી સામે આવ્યો હતો. પોતાના પ્રેમ સંબંધ બચાવવા માટે પત્નીનું ગળુ દબાવી હત્યા કરી નાખી લૂંટ વિથ મર્ડરની સ્ટોરી ઉપજાવી કાઢી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. ઝાલોદ તાલુકાના ધોળાખાખરા ગામના શૈલેષ ડામોરને પોતાના જ ગામની રસીકા નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતા. પોતાના પતિના પ્રેમસંબંધની જાણ પત્નીને થતા બન્ને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી અને પ્રેમિકા શૈલેષ સાથે જ રહેવા માંગતી હતી. જેથી પ્રેમસંબંધમા કાંટારૂપ પત્નીની હત્યા કરવાનુ આયોજન કરી બનાવના દિવસે આરોપી શૈલેષ પોતાની પત્નીને બાઈક ઉપર લઇ પોતાના સાઢુને ત્યાં તેમજ અન્ય સંબંધીઓને ત્યાં લઈ ગયો હતો અને મોડીરાતે પોતાના ઘરે પરત જતી વખતે મોટીમહુડી ખાતે સુમસાન જગ્યામા બાઈક સાથે ગટરમા પાડી દીધી હતી.
પોલીસે શૈલેષ તેમજ પ્રેમિકા રસિકા બન્નેની ધરપકડ કરી
ત્યારબાદ ગળુદબાવી હત્યા કરી નાખી અને તેના શરીર ઉપરના ચાંદીના દાગીના ઉતારી લીધા તેમજ પોતાના કાનમા પહેરેલ કડીઓ પણ ખેંચી લીધી અને નજીકની ઝાડીઓમા છુપાવી દીધા બાદ પોતાના ભાઈને ફોન કરી પોતાને અને પત્નીને લૂંટારાઓ માર મારી લૂંટ ચલાવી હોવાની જાણ કરી હતી અને પરીવારજનો આવતા પોતે બેભાન હોવાનું નાટક કર્યું હતુ. જેથી તેને સારવાર હેઠળ ખસેડી ડોગ સ્કવોડ, એલસીબી તેમજ એસપી સહીતની પોલીસ ટીમોએ ઘટના સ્થળે તપાસ કરતા ડોગ સ્કવોડની ટીમે નજીકમાંથી દાગીના શોધી કાઢ્યા હતા અને આરોપી શૈલેષને ખાસ ઈજાઓ નહોતી. જેથી સમગ્ર ઘટના શંકાસ્પદ લાગી હતી. તેથી પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી શૈલેષના પ્રેમસંબંધ વિશે જાણ થઈ હતી. તેમજ શૈલેષ ભાનમા આવતા સઘન પૂછપરછમા પોતે જ હત્યા કરી લૂંટનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી. તથા પોલીસે શૈલેષ તેમજ પ્રેમિકા રસિકા બન્નેની ધરપકડ કરી હતી.