– યુવતીએ બુમાબુમ કરતા એકઠા થયેલા ટોળાએ ફ્રુટના ધંધાર્થીને પકડીને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યોઃ લંપટ યુવતીના ઘર નજીક રહે છે
સુરત
મોટા વરાછા તળાવ નજીક બસમાંથી ઉતરી ઓફિસે જઇ રહેલી પુણા વિસ્તારની 22 વર્ષીય યુવતીને પાછળથી બાથમાં લઇ બિભત્સ હરકત કરનાર બે સંતાનના નરાધમ પિતાને એકઠા થયેલા ટોળાએ પકડીને મેથીપાક આપી ઉત્રાણ પોલીસને હવાલે કર્યો હતો.
પુણા વિસ્તારમાં રહેતી મૂળ ભાવનગરના પાલિતાણા તાલુકાની 22 વર્ષીય રશ્મિકા (નામ બદલ્યું છે) મોટા વરાછા-અબ્રામ રોડ વિસ્તારની આઇ.ટી ઓફિસમાં નોકરી કરે છે. ગત રોજ રશ્મિકા રાબેતા મુજબ સવારે 9 વાગ્યાના અરસામાં કાપોદ્રાના લક્ષ્મણનગર ખાતેથી સિટી બસમાં અબ્રામા રોડ ખાતે જવા નીકળી હતી. રશ્મિકા મોટા વરાછા તળાવ નજીક બસમાંથી ઉતરી ઓફિસ તરફ જઇ પગપાળા જઇ રહી હતી ત્યારે અચાનક જ એક યુવાન પાછળથી ઘસી આવ્યો હતો. જાહેરમાં યુવાને પાછળથી બાથમાં લઇ બિભત્સ હરકત કરતા રશ્મિકા ચોંકી ગઇ હતી અને બુમાબુમ કરતા રાહદારીઓનું ટોળું એક્ઠું થઇ ગયું હતું. ટોળાએ રશ્મિકા સાથે બિભત્સ હરકત કરનારને પકડીને મેથીપાક આપ્યો હતો. બીજી તરફ રશ્મિકાએ તુરંત જ નજીકમાં રહેતા માસીના દીકરાને ફોન કરતા તે પણ દોડી આવ્યો હતો. એકઠા થયેલા ટોળા પૈકીના કોઇકે કંટ્રોલ રૂમમાં ફોન કરતા ઉત્રાણ પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી. પોલીસે જાહેરમાં રશ્મિકા સાથે બિભત્સ હરકત કરનાર નરાધમની પૂછપરછ કરતા પોતાનું નામ જયવંત રમેશ સોલંકી (ઉ.વ. 25 રહે. ક્રિષ્નાનગર ઝુંપડપટ્ટી, લક્ષ્મણનગર પાસે, પુણાગામ) હોવાનું તથા બે સંતાનનો પિતા અને ફ્રુટનો ધંધો કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જયવંત વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે રશ્મિકા જયાં રહે છે તેની નજીકમાં જ જયવંત ફ્રુટની લારી ચલાવે છે અને રહે પણ નજીકમાં છે.