- કાપેલા વાયર માલગાડીના વ્હીલમાં આવતા ઊભી રાખવી પડી
- 25 મિનિટ ટ્રેન મોડી પડી : 5.56 લાખના વાયર ચોરીની ફરિયાદ
- તસ્કરો લાઇનના વાયરોને કાપીને લઇ જતા એન્જીનીયરો
અસારવાથી હિંમતનગર વચ્ચે પસાર થતી બ્રોડગેજ રેલવે લાઇન ઉપર આવેલા મેદરાથી રણાસણ વચ્ચેના પટ્ટામાં ઇલેક્ટ્રીક લાઇનના કેબલને કાપીને તસ્કરો લઇ ગયા હતા. હાલમાં નવી ઇલેકટ્રીક લાઇન નાંખવાનુ કામ ચાલી રહ્યુ છે ત્યારે તસ્કરો લાઇનના વાયરોને કાપીને લઇ જતા એન્જીનીયરો તથા પ્રોજેક્ટ મેનેજર સ્થળ ઉપર દોડી આવ્યા હતા. સવારે પસાર થયેલી માલગાડીના ટાયરોમાં કાપી નાંખેલા ઉપરથી લબડતા વાયરો આવી જતા આ ઘટનાની જાણ થઇ હતી. જે મામલે ડભોડા પોલીસ મથકમાં અજાણ્યા ઇસમો વિરુધ્ધ 5.56 લાખની કિંમતના વાયરોની ચોરીની ફરીયાદ નોંધવામાં આવી હતી.
અસારવાથી હિંમતનગર રેલવે લાઇન ઉપર ઇલેક્ટ્રીક લાઇનનું કામ ચાલી રહ્યુ છે. જેનું કામ ઇલેક્ટ્રીકલ એન્જીનિયરીંગ ઇંડીયા પ્રા.લી. દ્વારા કરવામાં આવી રહ્યુ છે. કોઇ તસ્કરો નર્મદા કેનાલના મેદરાથી રણાસણ તરફ જતા રેલવે ટ્રેકમાં ઉપર લગાવેલા કેટનરી તેમજ કોન્ટેક કોપર (તાંબાના) વાયરોને ટાર્ગેટ કર્યા હતા. રેલવે ટ્રેકના થાંભલા નંબર 396 /5 થી 397/4 વચ્ચેના થાંભલા ઉપર લગાવેલા આશરે 530 મીટર તથા કોન્ટેક કોપર વાયર આશરે 360 મીટર જેટલા વાયરો તસ્કરો કાપીને લઇ ગયા હતા.આ દરમિયાન ઇલેક્ટ્રીક લાઇન ઉપરથી કાપી નાંખેલા ટુટી ગયેલા કેટલાક વાયરો નીચે લબડતા હતા. એ દરમિયાન સવારે આ રેલવે લાઇન ઉપરથી માલગાડી પસાર થતા લટકતા વાયરો તેના ટાયરમાં આવી ગયા હતા. માલગાડીના ટાયરમાં વાયર ફસાઇ જવાથી માલગાડીને તાત્કાલીક ઉભી રાખવાની ફરજ પડી હતી. તપાસ કરતા ઉપરોક્ત ચોરીની જાણ થઇ હતી ઘટનાને કારણે માલગાડી સમય કરતા 25 મિનિટ જેટલી મોડી ઉપડી હતી. તસ્કરો રેલવે લાઇન ઉપરથી કેટનરી તથા કોન્ટેક કોપરના જે વાયરો કાપી ગયા હતા. તેની કિંમત 5.56 લાખ જેટલી થવા જાય છે. આ મામલે ઇલેક્ટ્રીફાઇની કામગીરી કરતી કંપનીના પ્રોજેક્ટ મેનેજર રામક્રિષ્ણા જગદેવ ગુપ્તાએ અજાણ્યા ચાર શખસો સામે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે