Stoning in Meghraj: મોડાસામાં મોડીરાત્રે નજીવી બાબતે બોલાચાલી થતાં સામસામે આવી ગયા હતા. બંને જૂથ પથ્થરમારો થયો હતો, આ દરમિયાન ઘણા વાહનોની તોડફોડ કરવામાં આવી છે. આ જૂથ અથડામણમાં 6 લોકોને ઇજા પહોંચી હતી, જેમાં એક હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. શાંતિ ન ડહોળાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકાના મેઘરજમાં ગત (શુક્રવારે) મોડી રાત્રે કોઇ બાબતને લઇને સામાન્ય બોલાચાલી થઇ હતી. બોલાચાલી વધી જતાં મામલો બિચક્યો હતો અને તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ બંને જૂથો સામસામે આવી જતાં પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી દેવામાં આવી હતી. ભારે હોબાળો મચતાં સ્થાનિક રહીશો ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે આ દરમિયાન પોલીસ સાથે પણ રકઝક થઇ હતી પરંતુ પોલીસે સમગ્ર મામલો થાળે પાડી દીધો હતો.
હાલમાં શાંતિનો માહોલ છે પરંતુ શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ નથી. જોકે કયા કારણોસર જૂથ અથડામણ સર્જાઇ હતી તે અંગે જાણી શકાયું નથી.