- ચીનથી લેડીઝ ફૂટવેર અને ગારમેન્ટ એસેસરીઝના ઓઠા તળે આયાત
- ચીનથી આયાત કરાયેલા કન્સાઈનમેન્ટમાં મસમોટી દાણચોરી પકડાઈ
- જથ્થો ભારતીય કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરાયો
મુન્દ્રામાં DRIએ બાતમીના આધારે કાર્યવાહી કરીને ખાનગી કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન(સીએફએસ)માંથી મિસ ડેકલેરેશનથી આયાત કરાયેલા ઈ-સિગારેટ ઉપરાંત ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળો સહિત કુલ રૂ. 80 કરોડની કિંમતની અલગ અલગ ચીજવસ્તુઓ જપ્ત કરી છે. દસ્તાવેજોમાં ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર સહિત 1.5 કરોડની કિંમતના સામાનની આયાત દર્શાવીને ઈ-સિગારેટ તેમજ ઈલેક્ટ્રોનિક સામાન તેમજ બ્રાન્ડેડ ચીજવસ્તુઓની આયાતનો ડીઆઈઆરની કાર્યવાહીમાં ભાંડાફોડ થયો હતો. નોંધનીય છે કે, DRIના અધિકારીઓને ગુપ્ત માહિતી મળી હતી કે, ચીનથી ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે જાહેર કરાયેલ આયાતી માલસામાનમાં હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક બ્રાન્ડેડ માલ હોવાની શક્યતા છે તેમજ માલસામાનને જીઈઢ માર્ગ દ્વારા ક્લિયર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના આધારે એક સપ્તાહથી તપાસ ચાલી રહી હતી અને આખરે આજે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે.
ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને ઘડિયાળો જપ્ત
બાતમીના આધારે 6 શંકાસ્પદ કન્ટેનરની ઓળખ કરીને તપાસ કરવામાં આવતાં તેમાંથી DRIએ 33,138 એપલ એરપોડ્સ/બેટરી, 4800 ઈ-સિગારેટ, 7.11 લાખ નંગ મોબાઈલ – ઈલેક્ટ્રોનિક સામાન – એસેસરીઝ (મોબાઈલ બેટરી/વાયરલેસ કિટ, લેપટોપ બેટરી વગેરે), 29,077 બ્રાન્ડેડ બેગ રિકવર કરી હતી. આ ઉપરાંત જૂતા અને સૌંદર્ય પ્રસાધનો, 53,385 પીસી બ્રાન્ડેડ ઘડિયાળો, 58,927 પીસી ઓટોમોબાઈલ પાર્ટ્સ (મડગાર્ડ, એલઈડી લેમ્પ વગેરે) આયાત માલમાં છુપાવવામાં આવ્યા હતા. જે તમામ જથ્થો ભારતીય કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો.
સીએચએ સહિત બે લોકોની કસ્ટમ એક્ટ હેઠળ ધરપકડ
DRIની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે, આયાતકારોનું રજિસ્ટર્ડ જગ્યા પર અસ્તિત્વ નથી તેમજ આ સિન્ડિકેટે ભૂતકાળમાં પણ આ માલની દાણચોરી માટે ડમી આયાતકારોના નામનો ઉપયોગ કરતી હતી. તો બીજીતરફે, હાલ DRI દ્વારા સીએચએ સહિત બે લોકોની કસ્ટમ એક્ટ હેઠળ ધરપકડ કરીને તપાસનો દોર આગળ વધારવામાં આવી રહ્યો છે.
નાણાકીય વર્ષમાં 134 કરોડની ઈ-સિગારેટ જપ્ત કરાઈ
DRIએ તાજેતરના સમયમાં દેશમાં દાણચોરી કરતા રમકડાં, સૌંદર્ય પ્રસાધનો, મોબાઈલ સહિત ઈલેક્ટ્રોનિક સામાન અને તેની એસેસરીઝની સંખ્યાબંધ જપ્તી કરી છે. તાજેતરમાં જપ્ત કરાયેલા રૂ. 64 કરોડના ચાઇનીઝ રમકડાં અને રૂ. 74 કરોડની કિંમતની કોસ્મેટિક વસ્તુઓનો સમાવેશ થાય છે. DRIએ નાણાકીય વર્ષમાં 134 કરોડની કિંમતની ઈ-સિગારેટ અને વિદેશી બ્રાન્ડની સિગારેટ પણ જપ્ત કરી છે.