ગોધરા: પંચમહાલ જિલ્લામાંથી એક ખૌફનાક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. મિત્રોએ જ મળીને અન્ય કિશોર મિત્ર સાથે પિશાચી હરકત કરીને મોતને ઘાટ ઉતાર્યો છે. મિત્રોએ મિત્રની હત્યા કરીને તળાવમાં ફેંકી દીધો હતો. તો બીજી બાજુ કિશોર મોડી રાત સુધી ઘરે ન પહોંચતા પરિવાર પણ ચિંતીત બન્યો હતો. મૃતકના સ્વજનોએ પોલીસ મથકમાં આ અંગેની જાણ કર્યા બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. વેજલપુર પોલીસે કિશોરની હત્યા કેમ અને કોણે કેવા સંજોગોમાં કરી એ સમગ્ર બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને પર્દાફાશ ગણતરીના કલાકોમાં જ કરી આરોપીઓને ઝડપી લેવા માં સફળતા મેળવી.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં રહેતા 15 વર્ષીય કિશોરને તેના મિત્રોએ ગુરુવારે રાત્રે મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર બનાવના ઘટનાક્રમ ઉપર નજર કરીએ તો વેજલપુરના મોટા મહોલ્લા વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે ઇનાન પથિયાએ 21 નવેમ્બરના રોજ રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં તેની બાઇક તેના એક મિત્રને આપી હતી. તેના અન્ય મિત્રને હોળી ચકલા પાસેથી બેસાડી ચલાલી રોડ ચોકડી પાસે મૂકી જવા જણાવ્યું હતું. આ દરમિયાન મિત્રની સૂચના મુજબ મિત્રએ કામ કર્યુ હતું. ઇમરાન અને તેનો મિત્ર આરીફ ઉર્ફે ડીંગુ પાડવા ચોકડી પાસે ઉભા હતા ત્યાં કિશોરને ઉતાર્યા બાદ ઇમરાન પથિયા તેના મિત્રને બાઇક ઉપર પરત વેજલપુર ગામમાં મૂકી આરીફ અને કિશોર પાસે આવી ગયા હતા. ત્યારબાદ આરીફ અને ઇમરાન બાઇક ઉપર કિશોરને બેસાડી નજીકમાં ચલાલી રોડ ઉપર આવેલા ખાલી પ્લોટવાળી જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં આરીફ ઉર્ફે ડીંગુએ તેના સગીરવયના મિત્ર સાથે શરીરના કપડાં કાઢી બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યુ હતું. જેથી મિત્રોએ કરેલી હરક્તથી ડઘાઈ ગયેલા કિશોરે તેની સાથે કરાયેલા કૃત્ય અંગેની જાણ તેના માતા પિતાને કરી દેવાનું જણાવ્યું હતું.
આ દરમિયાન આરીફ અને ઇમરાને દ્વારા કરાયેલી હરકત અંગેની જાણ સૌને થઈ જશે એવા ડર સાથે તેમના સગીરવયના મિત્રનું કાસળ કાઢી નાંખવાનું નક્કી કરી કિશોરે પોતાના ઘરે મિત્રોએ કરેલા પિશાચી કૃત્યની જાણ કરવા જણાવતાં વેંત જ તેનું ગળું દબાવી કિશોરને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારબાદ સમગ્ર બાબતને છુપાવવા માટે કિશોરના મૃતદેહને આરીફ અને ઇમરાન બંને બાઇક ઉપર નજીકમાં આવેલા પાણી ભરેલા તળાવમાં મૃતદેહને ફેંકી દઈ ઘરે જતાં રહ્યાં હતાં.
જોકે, પોતાનો ધોરણ 11માં અભ્યાસ કરતો દીકરો મોડી રાત સુધી ઘરે પરત નહીં આવતાં તેના પિતા અને સ્વજનોએ આખી રાત દોડધામ કરી શોધખોળ આદરી હતી. પરંતુ કોઈ જાણકારી નહિં મળતાં ચિંતિત બન્યા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. દરમિયાન વેજલપુરમાં મોટા તળાવના પાણીમાંથી કિશોરનો મૃતદેહ આવ્યો હતો. જેથી તેના સ્વજનોએ પોલીસને કઈક અજુગતું થયાની આશંકા વ્યક્ત કરી હતી. જે આધારે વેજલપુર પીઆઇ એમ.બી ગઢવીએ તપાસનો ધમધમાટ શરૂ કરી કિશોરની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક આરોપી સહિત કુલ ત્રણ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર