- ચીખલી સહિત નવસારી જિલ્લાના ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાયો
- કેરી અને ચીકુના પાકને નુકસાન તેમજ શાકભાજી
- વેલાવાળા પાકોમાં જીવાત પડવા સાથે ફૂલો ખરી ગયા
ચીખલી વિસ્તાર સહિત નવસારી જિલ્લાના જુદા-જુદા ભાગમાં છેલ્લા બે દિવસથી વરસેલા માવઠાને કારણે ખેડૂતોની દશા બેસી ગઈ છે. બાગાયતી કેરી-ચીકુ પાકોમાં નુકસાન તેમજ શાકભાજી, વેલાવાળા પાકોમાં જીવાત પડવા સાથે ફૂલો ખરી જતા ઉત્પાદન પર અસર પડી છે. ખેડૂતો માટે હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
ચીખલી સહિત નવસારી જિલ્લાના ખેડૂતો બાગાયતી પાકોમાં ખાસ કરીને કેરી-ચીકુનો પાક પકવતા આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતો વધતા ઓછા પ્રમાણમાં શાકભાજીનો પાક તેમજ વેલાવાળા, કારેલા, ટીંડોરા, પરવળ, કાકડી જેવા પાક લે છે ત્યારે મંગળ અને બુધવારે ચીખલી વિસ્તારમાં વરસેલા માવઠાથી ખેડૂતોની દશા દયનીય બની છે. મોટા ભાગના ખેડૂતોની આંબાવાડીમાં કેરીનો પાક હવે 10-15 દિવસમાં તૈયાર થવાના આરે છે ત્યારે છેલ્લા બે દિવસ વરસાદ વરસતા આંબાવાડીની કેરીમાં જીવાત પડવા અને ફળમાખી ઉત્પન્ન થવાની શકયતા છે. તો ચીકુના પાકમાં જે ફૂલ આવી રહ્યા છે તેમાં ઇયળ સહિક ચુસિયા પ્રકારની જીવાત ઉત્પન્ન થઇ શકે છે. માવઠાથી શાકભાજી પાકોને પણ નુકસાન પહોંચાડશે જેમાં ખાસ કરીને વેલાવાળા શાકભાજીમાં કારેલા, ટીંડોળી, કાકડી, પરવળ ચીભડાં, સાથે રીંગણ, ગુવાર જેવા શાકભાજીના પાકોને પણ અસર પડશે અને જે પાકને સાચવવા માટે ખેડૂતોને નવનેજા પાણી ઉતરશે ઉત્પાદન ઘટવા સાથે ખર્ચ વધશે અને કેટલાક છોડો તો મુરઝાઇને મરી જાઇ એવી સ્થિતિનું નિર્માણ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ખેડૂતોને કેરીની આવક થવાની આશા નિરાશામાં પલટાઈ
ખેડૂતોને કેરીની આવક થવાની આશા બંધાઇ હતી અને કેરીપાક ઉતારવાના નજીકના દિવસમાં જ શિયાળા અને ઉનાળાના કમોસમી વરસાદ બાદ પણ છેલ્લા બે દિવસ વરસેલા વરસાદને કારણે ખેડૂતોએ વધુ નુકસાની વેઠવાની નોબત આવી છે. આ વખતે આમ પણ કેરીની સિઝન મોડી શરૂ થાય એમ છે જે બાદ કુદરતના બીજા ફટકા સ્વરૂપે કમોસમી વરસાદ છેલ્લા બે દિવસથી વરસતા કેરીમાં મોટું નુકસાન થવાની સંભાવના વધતા ખેડૂત વર્ગ ચિંતિત બન્યો છે અને સાથે હાથ સુધી આવેલો કોળિયો ઝૂંટવાઇ જવાના સંજોગ જણાતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે.