Road Accident on Veraval-Junagadh Highway : રાજ્યમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારે મળી રહેલી માહિતી અનુસાર માળિયા હાટીના તાલુકાના ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં સોમનાથ જેતપુર હાઇવે પર ભંડુરી નજીક એક કાર સોમનાથ જઇ રહી હતી, ત્યારે કાર ચાલકે કાબુ ગુમાવતાં ડીવાઇડર કૂઓદીને રોંગ સાઇડમાં જઇ રહેલી કાર સાથે ધડાકાભેર ટકરાતાં સાત લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત સર્જાતા પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હાલ મૃતકોને 108 દ્વારા માળીયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામા આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સોમનાથ જેતપુર હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં સાત લોકોના મોત નિપજ્યા છે. જેમાં કાર સવાર વિદ્યાર્થીઓ કેશોદથી ગડુ ખાતે પરીક્ષા આપવા આપવા માટે જઇ રહ્યા હતા. આ અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે, પાંચેય વિદ્યાર્થીઓ કેશોદની આસપાસના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જ્યારે મૃતકોમાં અન્ય બે લોકો જાનુડા ગામના વતની છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને ગેસનો બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.