- લાયબ્રેરીમાં વિવિધ પ્રકારના 15 હજારથી પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ
- આગામી 23મીએ લાયબ્રેરીનું લોકાર્પણ કરાશે
- 2007માં વાંચનાલયના રિનોવેશનનો સંકલ્પ કર્યો હતો
- પુસ્તકાલયની સ્થાપનામાં અમિત શાહના દાદાનો પણ હાથ રહ્યો હતો
દેશના ગૃહમંત્રી અમિત શાહે પોતાના વતન માણસામાં અદ્યતન લાઇબ્રેરી બનાવવાનો સંકલ્પ કર્યો હતો. જે સંકલ્પ પુરો થયો છે. અંદાજે 38 લાખ ના ખર્ચે નવનિર્મિત પુસ્તકાલય નું કામ પૂર્ણ થતા આગામી શનિવારના રોજ અમિત શાહના હસ્તે આ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે. માણસાના શહેરીજનો, વિદ્યાર્થી તેમજ તમામ વર્ગના વાચકોને સંપૂર્ણ સુવિધાવાળી લાઇબ્રેરી મળે તેવું અમિત શાહનું સપનું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા શહેરના મુખ્ય બજારમાં ગાંધી ટાવર માં હાલમાં જે પુસ્તકાલય ચાલી રહ્યું છે તેનો ઇતિહાસ રસપ્રદ રહ્યો છે. માણસા સેવા સમાજ અને વેસ્ટ લાયબ્રેરી અને હરજીવનદાસ રીડિંગ રૂમથી પુસ્તકાલય પ્રવૃત્તિની શરૂઆત આઝાદી પહેલા થઈ હતી. માણસા સેવા સમાજની સ્થાપના થઈ ત્યાર પછી અમૃતલાલ કેશવલાલ જાની, જમનાદાસ છગનલાલ, ચુનીલાલ રાયચંદ વિગેરેના પ્રયત્નોથી રીડિંગ રૂમની સ્થાપના થઈ હતી. નામદાર રાઓલજી શ્રી દરબાર સાહેબે પણ આ પુસ્તકાલય ઊભું થાય તે માટે તમામ સહાય કરી હતી.
ત્યારબાદ આ બધી સંસ્થાઓનું એકીકરણ કરવામાં આવ્યું. જેમાં ગોકળદાસ ગુલાબચંદ(અમિત શાહના દાદા) આ તમામે હાલના આ પુસ્તકાલયની સ્થાપના કરી હતી અને લાઇબ્રેરીનું આ મકાન જૂનું અને જીર્ણ થતાં માણસાના તે વખતના આગેવાન ચંદુલાલ મફ્તલાલ શાહે ખાસ રસ લઈ 1976માં મહાત્મા ગાંધીજી સાર્વજનિક પુસ્તકાલયનું નવું મકાન બનાવ્યું અને સાથે ભવ્ય ટાવર પણ બનાવ્યું. જે વખતે બાંધકામ ચાલતું હતું તે સમય દરમિયાન પુસ્તકાલયનો સામાન, ફ્ર્નિચર, કબાટ ખૂબ જ અગત્યના પુસ્તકો અમિત શાહના ઘરે સાચવવા માટે મુકવામાં આવેલા. બસ બરાબર, તે દિવસથી અમિતભાઈના મનમાં પુસ્તકાલયને અદ્યતન બનાવવાના વિચારો જન્મ્યા અને 2007માં આ મકાનનું રીનોવેશન કરવાનો સંકલ્પ કર્યો હતો. આજે તેમના સાથ, સહકાર, પ્રયત્નો, ધગશને કારણે અદ્યતન લાઇબ્રેરી બનીને તૈયાર થતાં તેમનો સંકલ્પ આજે સિદ્ધ થયો છે. આ સંસ્થાના પહેલા બે પ્રમુખ ડોક્ટર મોહિલે અને સ્વ.ચંદુલાલ મફ્તલાલ શાહ હતા. તે વખતે સ્વ.બાલુસિંહ તથા કનુભાઈ કાલિદાસ કંસારા તથા દીપકભાઈ ડાયાલાલ મોદી મુખ્ય હતા. ત્યારબાદ કનુભાઈ કાલિદાસ આજ દિન સુધી આ સંસ્થાના પ્રમુખ તરીકે સેવા આપે છે. અંદાજે 38 લાખના ખર્ચે બનેલા આ નવા પુસ્તકાલયમાં વાચકો માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહિલાઓ માટે અલગ બેઠક વ્યવસ્થા, બીજા માળે અદ્યતન લેબ બનાવવામાં આવી છે. હાલ આ પુસ્તકાલયમાં 15 હજારથી પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. જેમાં દરેક પ્રકારનું સાહિત્ય, વિવિધ ભાષાના પુસ્તકો વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના પુસ્તકો, દૈનિક પેપર સહિત મહિલાઓ અને બાળકો માટેનું સાહિત્ય પણ અહીંયા ઉપલબ્ધ છે. આ અદ્યતન લાયબ્રેરીનું લોકાર્પણ આગામી શનિવારે ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
[ad_1]
Source link