- ગોડાઉનમાં 331 બોક્સમાંથી 803 બોટલ, 5720 પાઉચ મળ્યા
- પાંચ કંપનીના નામે દવા બનાવી તેની પર સ્ટિકર લગાવી સપ્લાય કરતો હતો
- માણસામાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાઓની ફેક્ટરી ઝડપાઇ છે
માણસામાંથી ડુપ્લિકેટ જંતુનાશક દવાઓની ફેક્ટરી ઝડપાઇ છે. અહિથી પોલીસે ડુપ્લિકેટ દવા સહિત રૂા. 46 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. આ જથ્થો ફેક્ટરીના ગોડાઉનમાં જ સંગ્રહ કરવામાં આવ્યો હતો.ખાનગી કંપનીના ઈન્વેસ્ટિગેશન ઓફિસરે પોલીસની મદદથી ઈન્દ્રપુરા રોડ પર આવેલા ભગવતી એસ્ટેટ ગોડાઉનમાં રેડ કરી હતી. જેમાં ગોડાઉનમાંથી જંતુનાશક દવાના 331 બોક્સ મળ્યા હતા જેમાં 803 જેટલી ભરેલી બોટલ અને 5720 જેટલા પાઉચ-પેકેટ હતા. આ ઉપરાંત 4200 ખાલી પાઉચ, 600 ખાલી બોટલ, 980 સ્ટિકર, ઈલેક્ટ્રિક પ્રેશર મશીન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જપ્ત કરેલ દવાનો જથ્થો ડુપ્લિકેટ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. આ મામલે પોલીસે ફેક્ટરીના સંચાલક અલ્પેશ ગોપાલભાઈ પ્રજાપતિ (38 વર્ષ, રહે-ઈન્દ્રપુરા) સામે ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ રહેતાં નીતિનકુમાર પટેલ ગુડગાંવની ચેક આઈપી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઇન્વેસ્ટિગેશન ઓફ્સિર તરીકે ફ્રજ બજાવે છે. કંપની દ્વારા કોપીરાઇટ અને ટ્રેડમાર્કની સેફ્ટી માટે કામ કરે છે. નીતિનકુમાર બુધવારે માણસા વિસ્તારમાં કામગીરી કરી રહ્યા હતા. આ સમયે તેમને બાતમી મળી હતી કે, માણસાથી ઇન્દ્રપુરા ગામ તરફ્ જતા રોડ પર ભગવતી એસ્ટેટના ગોડાઉનમાં વિવિધ કંપનીઓના નામે ડુપ્લિકેટ જંતુનાશક દવાનો સંગ્રહ કરીને વેચાણ થાય છે. જેને પગલે તેઓએ ગાંધીનગર એસઓજીની મદદથી ગોડાઉન પર રેડ કરી હતી. જેમાં ગોડાઉન બંધ હતું. જેને પગલે પોલીસે ગોડાઉનના કબ્જેદાર અલ્પેશ પ્રજાપતિને સાથે રાખીને શટર ખોલીને તપાસ કરી હતી. ગોડાઉનમાંથી ફરિયાદની કંપની ઓથોરાઈઝ કંપનીઓના માર્કાવાળી ડુપ્લિકેટ જંતુનાશક દવા મળી આવી હતી. આ અંગે પૂછપરછ કરતાં અલ્પેશ પાસે કોઈપણ કંપનીનું લાઈસન્સ કે પુરાવા મળ્યાં ન હતા. જેને પગલે પોલીસે જંતુનાશક દવાના 331 બોક્સ, ખાલી પાઉચ 4200, ટેપ રોલ 70, ખાલી બોટલ 600, સ્ટિકર 980, એક ઇલેક્ટ્રિક પ્રેસર મશીન, એક
ઇલેક્ટ્રિક વજન કાંટો, એક ઇલેક્ટ્રીક વાયર પેકિંગ મશીન મળી 46,23,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે અલ્પેશ પ્રજાપતિ સામે કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે જેમાં આરોપી કેટલા સમયથી આ પ્રકારે કંપનીઓના નામે ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ ભરીને વેપલો કરતો હતો તે સહિતની તપાસ હાથધરવામાં આવી રહી છે.