- દુકાનદારે દાગીનાના સ્ટોકની ગણતરી કરતાં દાગીના ગાયબ હોવાની જાણ થઈ
- મહિલાઓ 1.60 લાખથી વધુ કિંમતના દાગીના સિફતપુર્વક સેરવી ગઈ
- 500 રૂપિયાની કિંમતની રાખડી લઈ પાંચે મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી
માણસા શહેરમાં આવેલ કંસારા બજારમાં એક જ્વેલર્સ ની દુકાને સાંજના સમયે આવેલી પાંચ અજાણી મહિલાઓએ રાખડી લેવાના બહાને સોનાના અલગ અલગ દાગીના જોઈ ભાવતાલ કરી દુકાનદારની નજર ચૂકવી 1.60 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી પલાયાન થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ માણસા શહેરમાં કંસારા બજારના ગાંધીવાસમાં રહેતા અને કંસારા બજારમાં આદ્યશક્તિ જ્વેલર્સની દુકાન ધરાવતા કનુભાઈ ભવાનભાઇ સોનીને પાંચ મહિલાઓ 1.60 લાખનો ચૂનો લગાવી ગઈ હતી. ગઈકાલે સાંજે તેઓ પોતાની દુકાન પર હાજર હતા તે વખતે પાંચ અજાણી મહિલાઓ તેમની દુકાન પર આવી હતી અને ચાંદીની રાખડી લેવાનું કહી દુકાનદાર પાસે રાખડી ઉપરાંત સોનાની બુટ્ટી ,વીંટી જેવા દાગીના પણ જોવા માટે લીધા હતા અને દરેક નો ભાવ તાલ કરાવી પછી તેમાંથી ફ્ક્ત એક ચાંદીની રુદ્રાક્ષના મણકાવાળી 500 રૂપિયાની કિંમતની રાખડી લઈ પાંચે મહિલાઓ દુકાનમાંથી નીકળી ગઈ હતી. તેમના ગયા પછી દુકાનદારે જ્યારે તેમના દાગીનાના સ્ટોકની ગણતરી કરતા તેમાંથી 23190 રૂપિયાની કિંમતની સોનાની એક જોડ બુટ્ટી, 1,18,988 રૂપિયાની સોનાની આઠ વીંટી અને રૂ. 18120ની કિંમતના પાંચ જોડ કાનની સોનાની કડી ગાયબ હોવાનું જણાતા દુકાનદાર ગભરાઈ ગયા હતા. દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા આ મહિલાઓએ દુકાનદારની નજર ચૂકવી સોનાના દાગીનાની ચોરી કરી હોવાનું માલુમ પડયું હતું. જેથી દુકાનદારે માણસાના બજારમાં આ મહિલાઓને શોધવા દોડધામ કરી હતી. પરંતુ આ આ ઠગ મહિલાઓ ગાયબ થઈ ગઈ હતી. જેથી જ્વેલર્સના માલિકે 1,60,298 રૂપિયાના સોનાના દાગીના ની ચોરી કરી ભાગી છૂટનાર અજાણી પાંચ મહિલાઓ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.