- માંડવી તાલુકામાં બે લોકોના જીવનનો અંત આવ્યો
- મોતના કારણો જાણવા પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરી
- ભારાપરમાં યુવતીએ અકળ કારણોસર દવા પીને આયખું ટુંકાવ્યું
માંડવી તાલુકામાં અપમૃત્યુ અને આપઘાતના બનાવોમાં બે લોકોના જીવનનો અંત આવ્યો હતો. જેમાં માંડવી શહેરમાં ટોપણસર તળાવમાં ડુબી જવાથી આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજી તરફ તાલુકાના ભારાપર ગામે અકળ કારણોસર દવા પીને મોતને વ્હાલું કર્યું હતું. બંન્ને બનાવો મામલે માંડવી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે માંડવી પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ભરત મોહનલાલ ઓઢવાણી (ઉ.વ.૫૨) તા.21નાં સવારે 9.30 વાગ્યાના અરસામાં ટોપણસર તળાવની કિનારે મેળો જોવા માટે ગયો હતો. આ દરમ્યાન પાળી પરથી પગ લપસી જતાં તે પાણીમાં ડુબી ગયો હતો. જેના પરિણામે તેને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસે અકસ્માતે મોતની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેની તપાસ પી.આઇ. એન.કે.રબારી ચલાવી રહ્યા છે.
બીજી તરફ તાલુકાના ભારાપર ગામે ૧૯ વર્ષિય યુવતીએ આપઘાત કરી લીધો હતો. જેમાં કાંતાબેન કરસનભાઇ પટ્ટણી તા.21નાં સવારના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઇ અગમ્ય કારણોસર પાકમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેથી તેને સારવાર માટે માંડવીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબિબે તેને મૃત જાહેર કરી હતી.