- R&B વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆતો સંભળાતી નથી
- વરસાદ પડવાની સાથે રસ્તો એકદમ ધોવાઈ ગયો હતો
- રસ્તો ખૂબ જ હલકી ગુણવત્તા નો સામાન વાપરીને બનાવેલો હોવાથી તૂટવા લાગ્યો
ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ચોમાસા પહેલા મહુધા તાલુકાના ભુમસ ગામથી મુવાડીને જોડતો રસ્તો બનાવવામાં આવ્યો હતો. જે રસ્તો ખૂબ જ હલકી ગુણવત્તા નો સામાન વાપરીને બનાવેલો હોવાથી આ રસ્તો બન્યાને માત્ર ત્રણ મહિનામાં તૂટવા લાગ્યો હતો. વરસાદ પડવાની સાથે રસ્તો એકદમ ધોવાઈ ગયો હતો.
માર્ગ મકાન પંચાયત દ્વારા બનાવાયેલ આ રસ્તા સંદર્ભે આસપાસના સ્થાનિકોએ જણાવ્યું હતું કે કામ ચાલુ હતું ત્યારે કોન્ટ્રાક્ટરને સ્થાનિકોએ વારંવાર ટકોર કરી હતી કે રસ્તો સારો બનાવજો. તમારા દ્વારા રોડ બનાવવામાં વપરાતી વસ્તુઓ ખરાબ છે તે યોગ્ય ગુણવત્તા સભર વાપરો પરંતુ કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની વસ્તુ વાપરી હોવાથી રસ્તો બનતાની સાથે જ થોડા દિવસોમાં તૂટવા લાગ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે. જ્યારે રસ્તાનું કામ ચાલતું હતું,ત્યારે સ્થાનિકો માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરની પણ રાહ જોતા હતા. પણ કામ ચાલ્યું ત્યાં સુધી એસ.ઓ પણ ફરકયા ન હતા. આવે ત્યારે માત્ર નામ પૂરતા આવી જતા રહેતા હતા. માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સામે આંગળી ચિંધતા કેટલાક સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે તાલુકાનો કોઈપણ રોડનો પ્રશ્ન લઈ અમે નાયબ કાર્યપાલક ઇજનેર પાસે જઈએ તો તે અમને મળતા જ નથી. અથવા નાયબ કાર્યપાલક ઇજનેરને ખબર પડે કે કોઈ ફરિયાદ લઈને આવ્યું છે તો તે ગાયબ થઈ જાય છે. કેટલાય રસ્તાની ફાઈલોમાં એન્જિનિયર ની જગ્યાએ નાયબ કાર્યપાલક ઇજનેરે સહીઓ કરી ફાઈલો પાસ કરાવી છે. ત્યારે હવે આ મામલે યોગ્ય પગલાં લઈ માર્ગ ફરીથી બનાવાય તેવી લોક માગ ઉઠી છે.