ભરૂચ: જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામમાં રહેતા ખેડૂત વિનોદભાઈ મનહરભાઈ પટેલ છેલ્લા 14 વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે. ખેડૂતે અભ્યાસમાં બી.કોમ. ગ્રેજ્યુએટ કર્યું છે. ખેડૂત ખેતીમાં ચોળી, ભીંડા, લીલી ડુંગળી સહિતના પાકની ખેતી કરી રહ્યા છે.ખેડૂતે ખેતીમાં આ વર્ષે નવો પ્રયોગ કરવા માટે મલ્ચિંગ પેપરમાં ભીંડાની ખેતી કરી છે.
ખેડૂતે પોતાની 1 વીઘા જમીનમાં નામધારી 7803 જાતના ભીંડાની ખેતી કરી છે. ખેડૂતે ફેબ્રુઆરી મહિનાની 5 તારીખે ભીંડાનું વાવેતર કર્યું હતું. ખેડૂતે નામધારી 7803 જાતના ભીંડાનું 700 ગ્રામ બિયારણ માર્કેટમાંથી 4,400 રૂપિયાના ભાવે લાવ્યા હતા.
ખેડૂત ભીંડાની ખેતીમાં 50-50 ટકા ઓર્ગેનિક અને રાસાયણિક ખાતર આપ્યું
ભીંડાનું ઉત્પાદન 26 માર્ચથી શરૂ થઈ ગયું હતું. ખેડૂત ભીંડાની ખેતીમાં મલ્ચિંગ પેપરમાં બેઝ તૈયાર કર્યો હતો. ત્યારે માવજત માટે વર્મી કોમ્પોઝડ, ડીએપી આપ્યું હતું. ખેડૂત ભીંડાની ખેતીમાં માવજત માટે રાસાયણિક અને ઓર્ગેનિક ખાતરનો 50-50 ટકા વપરાશ કરે છે. ખેડૂત ભીંડાની ખેતીમાં 2થી 3 દિવસના અંતરે પાણી આપે છે.
મલ્ચિંગનો ઉપયોગ કરવાથી નીંદામણ ખર્ચની બચત
ખેડૂત વિનોદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભીંડાની ખેતીમાં પ્રથમ વખત મલ્ચિંગ પેપરનો પ્રયોગ સફળ રહ્યો છે. મલ્ચિંગનો ઉપયોગ કરવાથી છોડની આજુબાજુ બિનજરૂરી ઘાસ ઉગી નીકળતું નથી, જેના કારણે નીંદામણ ખર્ચ બચી જાય છે. તો ભીંડાના છોડને પૂરતા પોષક તત્વો મળી રહે છે. તેમજ ભીંડાની ગુણવત્તા પણ સારી રહે છે.
ખેડૂતે ભીંડાની ખેતીમાં રોજેરોજ 4થી 5 મણ ઉત્પાદન મેળવ્યું
ખેડૂતે જણાવ્યું હતું કે, ભીંડાની ખેતીમાં તેમને અન્ય ખેડૂતો કરતા પ્રતિ મણના 100થી 200 રૂપિયા સુધીના ભાવ વધુ મળી રહ્યા છે. ખેડૂત ભીંડાની ખેતીમાં રોજેરોજ ઉતારો લઇ રહ્યા છે. ખેડૂતને ભીંડાની ખેતીમાં રોજ 4થી 5 મણ ઉત્પાદન મળી રહ્યું છે. ખેડૂત ભરૂચ માર્કેટ ખાતે ભીંડાનો પાક આપે છે. ખેડૂતને હાલ 20 કિલોનો 950 રૂપિયા માર્કેટ ભાવ મળી રહ્યો છે. આમ મલ્ચિંગ પદ્ધતિથી ખેડૂત ભીંડાની ખેતી કરી સારું ઉત્પાદન સાથે સારી આવક મેળવી ખુશખુશાલ જણાઈ રહ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર