બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની કોઠાસૂઝથી અવનવા પાકની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. ત્યારે રાણપુર ગામના અમરાજી ઠાકોરે પરંપરાગત ખેતી છોડી મલ્ચિંગ પદ્ધતિથી મરચાની ખેતી કરી કાઠું કાઢ્યું છે. તેમણે પોતાના 4 વિઘા ખેતરમાં માત્ર 70 હજારના ખર્ચે 12 લાખની આવક મેળવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. સાથે-સાથે અન્ય ખેડૂતોને મરચાની ખેતી તરફ પણ વાળ્યા છે.
ડીસા તાલુકાના રાણપુર આથમણા વાસ ખાતે રહેતા 65 વર્ષીય અમરાજી ચેલાજી ઠાકોર અને તેમનો પરિવાર વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેમના પાસે કુલ ચાર વીઘા જમીન છે.
અમરાજી ઠાકોર વર્ષો પહેલા સીઝન આધારિત ખેતી કરતા હતા જેમાં તેઓ બાજરી, મગફળી, એરંડા, રાયડો, રાજગરો, જેવા પાકની ખેતી કરતા.
અમરાજી ચેલાજી ઠાકોરને પરંપરાગત ખેતીમાં ઉત્પાદન ન મળતા ખેતીમાં બદલાવ લાવવાનું વિચારી આજથી 25 વર્ષ પહેલા માત્ર 1 વીઘા ખેતરમાં મરચાની ખેતી કરી સારી આવક મેળવી હતી.
ઓછા ખર્ચે સારો નફો થતા તેમને પોતાની 4 વીઘા જમીનમાં મરચાની ખેતી કરવાની શરૂઆત કરી હતી. આજે તેઓ 4 વીઘા જમીનની ખેતીમાં 70 હજારના ખર્ચ સામે લગભગ 12 લાખ રૂપિયાની આવક મેળવી છે. તેઓ અન્ય ખેડૂતોને પણ મરચાની ખેતી કરવા અપીલ કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર