જૂનાગઢ: જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે. આ ગિરનારની પરિક્રમા કરવાનું ઘણું મહત્વ રહેલું છે, તેવો પુરાણોમાં પણ ઉલ્લેખ છે. તેથી ગિરનારની ફરતે પરિક્રમા કરવાનું મહાત્મ્ય આજે પણ જળવાયેલું છે. અહીં દર વર્ષે પરિક્રમા કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. પરિક્રમા કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ અહીં આવીને ભગવાનનું ભજન કરે છે.
“મને ઘરે જવાનું મન નથી થતું”: વૃદ્ધ પદયાત્રી
લીલી પરિક્રમા દરમિયાન ત્રણ મહિલાઓનું ગ્રુપ ભજન કિર્તન કરી રહ્યું હતું. તે પૈકીની એક વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે, “હું પરિક્રમા કરવા આવી છું. મને ઘરે જવાનું મન નથી થતું. અહીં અમે આનંદ કરીએ છીએ. મને અહીંયા રાખશો તો ભજન કિર્તનમાં રહી જઈશ.”
આ સિવાય અન્ય એક મહિલાએ જણાવ્યું કે, “અહીં અમને કુદરતી સાંનિધ્યમાં ભજન કિર્તન કરવાનો મોકો મળે છે. ઘરના કામ ભૂલીને ત્રણ-ચાર દિવસ અહીં આવવાથી મનને શાંતિ મળે છે. અહીં ગુરુ દત્તાત્રેય, અંબા માતા, બોરદેવી જેવા અનેક દેવી-દેવતાનાં મંદિર છે. જેમાં દર્શન કરીને પાવન થવાય છે. સાથોસાથ કુદરતી નજારો પણ જોવાય છે. માનસિક શાંતિની અનુભૂતિ થાય છે. ભગવાનના ખોળે બેઠા હોય તેવો અહેસાસ થાય છે.”
અહીં દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ ભજન, ભોજન અને ભક્તિના આ ત્રિવેણી સંગમમાં લીન થઈ જાય છે. સામાન્ય રીતે જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં શ્રદ્ધાળુ આવે છે. શ્રદ્ધાળુઓ ભક્તિના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવીને ભજન ગાય છે. સાથોસાથ પોતાની સાથે ઘરેથી લાવેલા વ્યંજન બનાવીને જમે છે અને ભગવાનનું નામ લે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર