• નિઝરમાં રસ્તા પર માટીકામ કરી ડસ્ટ પાથરી હાથ ખંખેરવાની નીતિમાં માત્ર નાણાંનો ધુમાડો જ કરાયો
• એક જ વર્ષમાં રસ્તાના બેહાલ થયા
• 2021માં વ્યાવલ અને સુલવાડામાં બનેલા રસ્તા ધૂળિયા જ રહ્યા
• રસ્તાઓની હું તપાસ કરીશ : એપીઓ નિઝર
નિઝર તાલુકા પંચાયત મનરેગા શાખાના એપીઓ ધવલભાઇએ જણાવ્યું હતું કે, વ્યાવલ-સુલવાડામાં રસ્તા કયાં-કયાં બનેલા છે અને કેટલા રસ્તા બન્યા તેની હું તપાસ કરીશ.નિઝર તાલુકામાં વ્યાવલ ગ્રૂપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ વ્યાવલ અને સુલવાડા ગામોમાં 2021માં મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર અંતર્ગત ગામોમાં જવા તથા ખેતરાડી રસ્તા બનાવવાનું કામ ટી.એસ. મારફતે ગામના લોકોને રોજગારી મળી રહે તે માટે આપવામાં આવ્યું હતું. જે રસ્તાઓ પર ગત્ ચોમાસાનો વરસાદ પડતા જ તહસનહસ થઇ ગયા હતા.
રસ્તા ઉપર ડામર કે ડસ્ટ સુધ્ધાં જોવા મળતા નથી. માર્ચ-21માં તૈયાર થયેલા રસ્તાઓ એટલી હદે નબળા રહ્યા કે રસ્તાઓ વર્ષો પછી પણ બન્યા ન હોય તેવા જોવા મળે છે. હકકીતમાં ગત્ વર્ષે બનેલા રસ્તાના આવા હાલ થઇ ચૂક્યા છે. ખેતરોમાં જવા માટે ખેડૂતોને સરળતા રહે ખેતઓજારો, બળદગાડા, ટ્રેકટર કે અન્ય ખેતીના સાધનો સરળતાથી લઇ જઇ શકાય તેમજ ખેતીની ઉપજના વહનમાં રસ્તો ઉપયોગી બને તેવો આશય ધૂળ ભેગો થઇ ચૂક્યો છે. મનરેગા યોજના હેઠળ લાખો રૂપિયા ગ્રામપંચાયતોના ખાતામાં જમા કરવામાં આવે છે. જેમાં જોબકાર્ડધારકોને રોજગારી પૂરી પાડવામાં પણ કેટલાંક ગામોમાં ગોટાળા થતા રહે છે, પરંતુ ગામની પાયાની સુવિધા પૂરી પાડવામાં હલકા મટીરિયલ્સ વાપરી માત્ર વેઠ જ ઉતારવામાં આવી રહી છે. મનરેગા યોજનાના કામોનું નિરીક્ષણ કરનાર કોઇ ન હોય તેમ મનસ્વી રીતે જ કામો થઇ રહ્યા છે. ગ્રામપંચાયતોને મટીરિયલ્સ, વાહનખર્ચ, લેબર ચાર્જ વગેરે ખાતામાં જમા કરાવવામાં આવે છે. જે ખર્ચા માત્ર કાગળ ઉપર જ બતાવી મટીરિયલ્સ ગુણવત્તા વિનાનું ઉપયોગમાં લઇ તેમજ પાણી છંટકાવ કે રોલ ફેરવવા જેવી કોઇ જ કામગીરી થતી નથી. સુવિધા પૂરી પાડવાના નામે લાખો રૂપિયા રેકોર્ડ ઉપર ખર્ચાઇ રહ્યા છે, જ્યારે હકકીતમાં રસ્તાઓ દરવર્ષે જેમની તેમ હાલતમાં ઊબડખાબડ રહે છે. વ્યાવલ ગ્રૂપ ગ્રામપંચાયતના રસ્તા માત્ર એક નમૂનારૂપ છે. આખા તાલુકામાં તટસ્થ તપાસ થાય તો મનરેગા યોજનામાં થયેલી અનેક ગેરરીતિઓ બહાર આવે તેમ છે.