- પોતાના કાર્યવિસ્તારને છોડી અલગ સ્થળથી રેતી ઉલેચતા લીઝધારકો
- કર્મચારી-અધિકારીઓના સુવાળા સંબંધ હોવાના થયા આક્ષેપ
- ભૂસ્તર વિભાગ ખનિજ સંપત્તિની ચોરી સામે આંખ મિચામણાની ભૂમિકા ભજવતું રહ્યું
નિઝર અને કુકરમુંડા તાલુકામાં રેતીમાફિયાઓ માતેલા સાંઢની જેમ આળોટી રહ્યા હોવા છતાં ભૂસ્તર વિભાગ રેતી જેવી ખનિજ સંપત્તિની ચોરી સામે આંખ મિચામણાની ભૂમિકા ભજવતું રહ્યું છે. લીઝના કાર્યવિસ્તારને છોડીને તેમજ ગેરકાયદેસર રીતે પણ રેતી ઉલેચવાના ધીકતા થયેલા વેપલા અંગે તાજેતરમાં એક જાગૃત નાગરિક દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરી બળાપો ઠાલવ્યો છે.
નિઝર તાલુકાના એક જાગૃત નાગરિક દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે નિઝર અને કુકરમુંડા તાલુકાના બાલદા ગામની તાપી નદીકિનારે ગેરકાયદે લીઝ ચાલી રહી છે. બાલદા ગામમાં સરકાર તરફથી કોઇ લીઝ મંજૂર કરવામાં આવી નથી, ત્યારે કોના ઇશારાથી રેતીખનન થઇ રહ્યું છે, એટલી બધી નાવડીઓ ચલાવી આદિવાસી વિસ્તારમાં રેતી ચોરી કરી સરકારની તિજોરોને ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે. જીપીઆરએસ રીડિંગ દ્વારા વીડિયો અને ફોટો પાડવામાં આવેલા છે તે જીપીઆરએસ રીડિંગમાં ખુલ્લેઆમ જોવાઇ છે કે પોતાના હદવિસ્તાર છોડીને રેતી ચોરી કરવામાં આવી રહી છે. જો આટલી ગંભીર પરિસ્થિતિ રેતીચોરીની હોવા છતાં સ્થાનિક અધિકારી, તાપી જિલ્લાના ખાણ-ખનિજ વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરવામાં પાછા રહે છે. વ્યાવલ, જૂના આશ્રાવા, જૂના પીપલાસ, જૂના ગોરશા, કન્ડ્રોજ, ઉંભદ, સદ્ગવાણ, કોટલી, સાતોલા, ચોરગામ (વેલ્દા) વગેરે ગામોમાં લીઝધારકો પોતાના હદવિસ્તાર છોડીને ગેરકાયદે રીતે રેતી ચોરી કરી રહ્યા છે. હાલમાં તાપી નદીમાં પાણી ઘટી જવાથી સાફ સાફ જોવા મળે છે કે કેટલીક લીઝો ગેરકાયદે રેતીખનન કરી રહી છે. તો પછી જવાબદારો કુંભકર્ણની નિદ્રામાં કેમ પડી રહ્યા છે. નિઝર-કુકરમુંડા તાલુકામાં જયાં જુઓ ત્યાંથી રેતી ચોરી થતી જોવા મળતી હોવા છતાં ભૂસ્તર વિભાગ કોઇ નક્કર પગલાં લેતું નથી. રેતીખનન સાથે રેતીચોરો વગર પાસ પરમિટે (રોયલ્ટી વિના) રેતી ચોરી કરી કરોડો રૂપિયાનો સરકારી તિજોરીને ફટકો પહોંચાડી રહ્યા છે. કેટલાંક સ્થળો ઉપર લીઝને મંજૂરી નથી તો જ્યાં મંજૂરી આપેલી છે તેઓ કાર્યવિસ્તાર છોડીને રેતીચોરી ગોટાળા કરી રેતીની ચોરીમાં મશગૂલ બન્યા છે. ત્યારે તાપી જિલ્લા કલેક્ટર નિઝર-કુકરમુંડા તાલુકામાં રેતીની પ્રવૃત્તિ સામે ઉડતી નજર નાંખે તો પણ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.
નાવડીમાં બાયોડીઝલના ઉપયોગથી જળચર જીવોને ખતરો
તાપી નદીમાં કેમિકલયુક્ત ઓઇલ તમામ લીઝો દ્વારા છોડવામાં આવે છે. તે કેમિકલ ઓઇલના લીધે નદીના માછલાં તથા અન્ય જળચર જીવોને નુકસાન થાય છે. માછલીના મૃત્યુના કિસ્સા બહાર આવે છે. આદિવાસી વિસ્તારના રહીશો માછલાં પકડી જીવનનિર્વાહ ચલાવતા હોય જેઓની રોજીરોટી છીનવાઇ ગઇ છે. પાણીમાં કેમિકલયુક્ત જેવા કે બાયો ડીઝલનો ઉપયોગ તમામ નાવડીઓમાં કરવામાં આવે છે. જેથી નદીનું પાણી પ્રદૂષિત થતા જે પાણી પીવાથી ગંભીર બીમારીનો ભોગ લોકોએ બનવું પડે તેવી સ્થિતિ છે. પ્રકૃતિને નુકસાન કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે.
અરજી બાબતે મને કોઇ વાંધો નથી : લીઝ યુનિયન લીડર
ગેરકાયદે રેતીખનન મુદ્દે નિઝર મામલતદાર કચેરીએ થયેલી રજૂઆત મુદ્દે રેતી લીઝ યુનિયનના લીડર મનિષ લીંબાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, અરજી બાબતે મને કોઇ વાંધો નથી, મારે કશું કહેવું પણ નથી.