Girl falls into borewell In Bhuj: ભુજમાં સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) રાજ્યભરમાં ચકચારી મચી જાય તેવી ઘટના બની હતી. કંઢેરાઈ ગામે સોમવારે વહેલી સવારે 21 વર્ષીય ઇન્દિરા મીણા નામની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી. જો કે, આ યુવતી જિંદગીની જંગ હારી ગઈ છે. હાલ ફાયર બ્રિગેડ સહિતની વિવિધ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યો છે.
મૃતદેહને બોરવેલમાંથી ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો
મળતી માહિતી અનુસાર, બોરવેલમાં ફસાયેલી 21 વર્ષીય ઇન્દિરા મીણાનું રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ દરમિયાન મૃતદેહ બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. જોકે યુવતીના મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, મૃતદેહ ફૂલી જવાથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી નથી.
આ પણ વાંચો: 2025ની શરુઆતમાં વધુ એક મહામારીના પડઘમ? ચીને 100 વર્ષમાં પાંચ વખત દુનિયાને ખતરામાં મૂકી
શું હતી સમગ્ર ઘટના?
ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે સોમવાર વહેલી સવારે કાનજી મીણા નામની ખેત મજૂર યુવતી વાડીના 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરવેલમાં પડી ગઇ હતી. આ યુવતી અકસ્માતે પડી છે કે આપઘાત કર્યો છે, તે અંગે હજુ માહિતી મળી શકી એમ નથી.
રાજસ્થાનના પ્રતાપગઢની અને હાલ પિતરાઈ ભાઈ સાથે ભુજ તાલુકાના કંઢેરાઇ ગામમાં છેલ્લા છથી આઠ વર્ષથી વાડીમાં રહીને ખેત મજૂરીનું કામ કરતી યુવતી સોમવારે વહેલી સવારે સવા પાંચ વાગ્યાના અરસામાં નિત્યક્રમ કરવા માટે બહેન સાથે નીકળી હતી. યુવતી ઘરે પરત ન આવતા તપાસ દરમિયાન વાડીમાં આવેલા 500 ફૂટ ઊંડા ખુલ્લા બોરમાંથી યુવતીનો બચાવો-બચાવોનો અવાજ સંભળાયો હતો. જેથી યુવતીના ભાઈએ વાડીના માલિકને જાણ કરી હતી. તે બાદ પોલીસને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.