900 ડાયાની કુકમાથી ત્રીજી લાઈન ચાલુ કરવાના ચક્રો પાલિકા દ્વારા ગતિમાન
ઉનાળા પહેલા નવા ટાંકા બનવાની આશાઃ નવા વિસ્તારો વધતાં નર્મદા નિગમ પાસે ૫૦ને બદલે ૬૦ એમએલડી પાણી આપવાની રજૂઆત
ભુજ: ભુજની પણીની જરૂરિયાતને પહોંચી વળવા જૂની ૯૦૦ ડાયાની નર્મદાની પાણીની લાઈનમાંથી ભુજિયો ટાંકો ભરીને અન્ય ટાંકામાં પુરવઠો પહોંચાડી થતા વિતરણમાં ઝડપ લાવવા નવી ૫૦૦ ડાયાની લાઈન નાખવાનું કામ ચાલુ છે. જેમાંથી ભુજિયાનો ટાંકો અને સાથે સાથે રાવલવાડીનો ટાંકો પણ ભરાશે. જેથી વિતરણમાં સરળતા વધશે ખરી પણ પાણીનો જથ્થો નર્મદા નિગમ હાલે જે ૪૫થી ૫૦ એમએલડી આપે છે તે એજ રહેવાનો છે. આમ પાણી નહીં વધે. આ ઉપરાંત ત્રીજી ૯૦૦ ડાયાની લાઈન પણ નખાશે. નર્મદા નિગમ પાસે ૫૦થી ૬૦ એમએલડી પાણી આપવા નગરપાલિકાએ માંગ કરી છે. જોકે લાઈન તૂટવાના કિસ્સામાં ભુજમાં પાણી વિતરણ ઠપ થઈ જાય છે તેવી ઘટના બીજી લાઈન ચાલુ થઈ જશે તો નિવારી શકાશે.
કોરોના પછી લોકોની માનસિકતામાં બદલાવ આવ્યો છે. મુંદરા રિલોકેશન સાઈટ અને રાવલવાડી વિસ્તારના પ્લોટોમાં નવા રહેણાક વિકસી રહ્યા છે. વોર્ડ ૧,૨,૩ સરપટનાકા બહાર વસ્તી વધી છે. તેની સામે પાણીની મર્યાદિત છે. નગરપાલિકાના ૪૦થી ૪૫ બોર સ્થાનિક સ્ત્રોત હતા તેમાંથી માંડ પાંચેક કાર્યરત હોવાથી સો ટકા નર્મદા આધારિત છીએ તેવું નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કરે જણાવતાં ઉમેર્યું કે, ભાજપના મોવડીઓનું ધ્યાન દોર્યું છે પૂર્વ કચ્છમાં ટપ્પર ડેમ છે તેમ ભુજ અથવા પશ્ચિમ કચ્છ માટે સ્ટોરેજ બને.
ભુજના ગામતળના જૂના મકાનોના ટાંકા નાના હોવાથી દર બે દિવસે અને નવા વિકસેલા વિસ્તારોના રહેણાંકમાં મોટા ટાંકા બનાવાયા હોવાથી ચારથી પાંચ દિવસે પાણી વિતરણ કરાય છે.
ભુજિયા રીંગ રોડની જમણી બાજુ જૂનો અને ડાબી બાજુનો નવો ટાંકો ૭૫ લાખ લિટરનો બનાવયો તેમાં જૂની ૯૦૦ ડાયા અને નવી ૫૦૦ ડાયાની લાઈન હોવાથી ચાર કલાક પાણી ન મળે એટલે ટાંકા ખાલી થઈ જતાં વિતરણ ખોરંભાતુ હતું. થોડા સમય અગાઉ રેલવે પુલનું કામ ચાલુ હતું ત્યારે લાઈન તૂટી હતી જેમાં ૨૭ જગ્યાએ પંકચર નીકળ્યા હતા.
ભુજ સુધી પાણી વિતરણ વ્યવસ્થા અંગે ઉપપ્રમુખ ઘનશ્યામભાઈએ કહ્યું કે, કુકમામાં ૭૫-૭૫ લાખ લીટરના બે ટાંકા, અમૃત યોજનામાં ધોળાવા પાસે બન્યો, માધાપરમાં ભૂકંપ પહેલાનો ટાંકો, ભુજિયા ઉપર ભૂકંપ પછી ૭૫ લાખ લિટરનો બન્યો, અમૃત યોજનામાં શિવકૃપા નગરમાં ૫૦ લાખ લિટરનો ટાંકા બન્યો.
હિલગાર્ડન પાસે ૫૦ લાખ લિટરની ક્ષમતાના ટાંકાનું જોડાણ દંતેશ્વર એરવાલ્વમાંથી લેવા જીડબલ્યુએલ સાથે વાત ચાલુ છે. તથા રેલવે લાઈન ક્રોસીંગ બાદ નર્મદા નિગમની મંજૂરી ફરી લેવાની પ્રક્રિયા ચાલુ છે.
આવનારા સમયના આયોજનમાં પ્રમુખસ્વામીનગર, વાલદાસનગર, આત્મારામ સર્કલ, સુરલભિટ્ટ પાસે ૨૦ લાખ લિટરનો અંડર ગ્રાઉન્ડ અને ૧૦ લાખ લિટરનો ઓવરહેડ ટાંકો બનાવવાનું કામ ચાલુ છે. ભાડાની ગ્રાંટમાંથી ચંગલેશ્વર પાસે ટાંકો બને છે.
ભુજને ત્રીજા પાણીની લાઈન ૯૦૦ ડાયાની કુકમાથી નલ સે જલ યોજના હેઠળ મળશે. નગરપાલિકા દ્વારા ચાલતી આ કામગીરી ઉપપ્રમુખ સાથે વોટર સપ્લાય શાખાના ચેરમેન સંજય ઠક્કર સંભાળી રહ્યા છે.
સરકાર દ્વારા પાણીની ત્રણ લાઈન ઉપરાંત ધારાસભ્ય કેશુભાઈ પટેલ દ્વારા ધુનારાજા પ્રોજેક્ટ માટેના પ્રયાસો ચાલુ છે જે કાર્યરત થશે તો ભુજની પાણી સમસ્યા કાયમી ઉકેલાવાની આશા કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી.