બેભાન અવસ્થામાં રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો ભાનમાં આવ્યા પછી થશે ખુલાસો
મકાનના રૂપિયા ચુકવ્યા પછી કબજો ન મળ્યાના વિવાદમાં અપહરણ કરી હુમલો કરાયોનો ઘાયલની પત્નીનો આક્ષેપ
ભુજ: ભુજના મુંદરા રોડ પર શની મંદિરની સામે ધનશ્યામનગરમાં બાવડની ઝાડીમાંથી સોમવારે બપોરે દોરડાથી બાંધેલી હાલતમાં ઇજાગ્રસ્ત યુવાન બેભાન હાલતમાં મળી આવ્યાના કેસમાં બી ડિવિઝન પોલીસ મથકે શકમંદ તરીકે માધાપરના સ્ત્રી, પુરૂષ સામે અપહરણ એટ્રોસીટી અને હુમલા સહિતની કલમ તળે ફરિયાદ નોંધાવાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ મોટા વરનોરા ગામના હાલ સાગરસીટી મુંદરા રોડ પર રહેતા સામત હમીરભાઇ જેપાર (ઉ.વ.૪૧) નામનો યુવાન છેલ્લા બે દિવસથી ગુમ થઇ ગયો હતો. યુવકના પરિવાર અને પોલીસની શોધખોળ દરમિયાન યુવકના મોબાઇલ લોકેશનના આધારે સોમવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં મુંદરા રોડ પર શની મંદિરની સામે ઘનશ્યામનગર પાસે આવેલી બાવડની ઝાડીમાં યુવક દોરડાથી હાથ-પગ બાંધેલી શરીર ઇજાઓ થયેલી હાલતમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભોગબનાર યુવકના પત્ની હેમાંગીબેન સામતભાઇ જેપારએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે શકમંદ તરીકે માધાપર રહેતા પરિક્ષિતભાઇ બીજલાણી અને કૌશલ્યાબેન જનકભાઇ સોની તેમજ તપાસમાં નીકળે તે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદી મહિલાના પતિ સામતભાઇ પાસેથી મકાનના બધા રૂપિયા મેળવી લઇને મકાનનો કબજો આપતા ન હતા. અને મકાન બાબતે આરોપીઓ દ્વારા ફરિયાદી મહિલાના પતિને આરોપીઓ ધાકધમકી આપતા હતા. દરમિયાન આરોપીઓએ કાવતરૂ રચીને ફરિયાદીના પતિનું અપહરણ કરીને બન્ને હાથ પગ બાંધી જાનથી મારી નાખવાના ઇરાદે કોઇ હથિયાર વળે ફરિયાદીના પતિને હાથના કોણી ઉપરના ભાગે ઇજાઓ પહોંચાડીને બાવડની ઝાડીમાં ફેંકી દીધો હતો. બી ડિવિઝન પોલીસે શકમંદો સામે એટ્રોસીટી, હત્યાના પ્રયાસ અને અપહરણ સહિતની કલમ તળે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ ચલાવી રહેલા એસસીએસટી સેલના ડીવાય એસપી એમ.જે.ક્રિશ્ચિનએ જણાવ્યંિ હતું. કે, હાલ ભોગબનાર યુવક રાજકોટ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં છે. તે ભાનમા આવે ત્યારે ઘટના સબંધિત સચોટ કારણ જાણી શકાશે હાલ ઘટના સ્થળનું પંચ નામુ અને ભોગબનારની પત્નીની ફરિયાદ પરથી શકમંદ લોકોની પુછપરછ ચાલી રહી છે.