– સુરતથી રાજુલાના કાતર-કોટડી રૂટ પર પહેલી વખત સ્લીપર બસ લઈને આવેલાં ડ્રાઈવરને ગાઢ ઘુમ્મસના કારણે હાઈ-વે પર બંધ ટ્રક ન દેખાયો
– સુરતથી માદરે વતન આવી રહેલાં ભાવનગર જિલ્લાના મહુવા, અમરેલીના રાજુલા તથા ગીરગઢડા પંથકના ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરૂષ નિદ્રાંધિન અવસ્થામાં જ કાળનો કોળિયો બન્યા : સ્થાનિક ગ્રામજનો તથા 108 ઈમરજન્સી સ્ટાફે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી, બેની હાલત નાજૂક
ભાવનગર/ તળાજા : સુરતથી માદરે વતન પરત આવવાં નિકળેલાં ભાવનગર જિલ્લાના મહુવા, અમરેલીના રાજુલા તથા ગીરગઢડા પંથકના મુસાફરો માટે મંગળવારની પરોઢ અમંગળ સાબિત થઈ હતી. જેમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ત્રાપજ બાયપાસ- ઓવરબ્રિજ નજીક આજે વ્હેલી સવારે બંધ પડેલાં રેતી ભરેલાં ડમ્પરની પાછળ સુરતથી રાજુલાના કાતર-કોટડી જતી ખાનગી લકઝરી સ્લીપર બસ ઘડાકાભેર અથડાઈ હતી. સુરતથી આ રૂટ પર પહેલી જ વખત બસને લઈને આવનારા ડ્રાઈવરને ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે અંદાજે ૨૫ ફૂટ દૂર બંધ પડેલું ડમ્પર ન દેખાતાં સર્જાયેલાં ગમખ્વાર અકસ્માતના પગલે નેશનલ હાઈ-વે મુસાફરોની બૂમાબૂમ અને ચિચિંયારીઓને લઈ ગુંજી ઉઠયો હતો. તો, આ ગંભીર અકસ્માતના પગલે બસમાં સવાર ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરૂષ સહિત છ લોકોના નિદ્રાંધિન અવસ્થામાં જ મોત નિપજ્યા હતા. જયારે, બસના ડ્રાઈવર અને કલિનર સહિત બસમાં સવાર મુસાફરા પૈકી ૧૬ વ્યકિતઓને ઈજા થતાં તમામને સારવાર માટે તળાજા અને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.જયારે, અક્સ્માતની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો, નેશનલ હાઈ-વે ઓથોરિટી, ૧૦૮ ઈમરજન્સી તથા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળેે દોડી આવ્યો હતો અને રાહત અને બચાવ કામગીરી કરી હતી. જેમાં ઈજાગ્રસ્ત પૈકી બેની હાલત નાજૂક મનાય રહી છે.
ભાવનગરને જોડતાં હાઈ-વે પર અક્સ્માતોની વણઝાર યથાવત રહે છે. એ ચાહે ભાવનગરથી અમદાવાદને જોડતો શોર્ટ રૂટ હોય, ભાવનગર-રાજકોટ હાઈ-વે હોય કે પછી ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે. તમામ હાઈ-વે પર એક તરફ મરામત અને નવિનીકરણ અને બીજી તરફ રિપરિંગના કારણે ડાયવર્ઝન, સિંગલ પટ્ટી રોડ સહિતની સમસ્યાઓના કારણે અકસ્માતના બનાવો રોજિંદા બન્યા છે. તેવામાં આજે વ્હેલી સવારે બનેલાં ગોઝારા અકસ્માતની વિગત એવી છે કે, ગત રાત્રિના સુમારે સુરતથી એપલ ટ્રાવેલ્સની લકઝરી સ્લીપર બસ નં.જીજે .૧૪.ઝેડ .૦૪૬૮ બસમાં મુસફારો ભરીને ચાલક વલ્લભભાઈ સોંડાભાઈ મકવાણા એ બસ ઉપડી હતી. જે આજે સવારે વાયા ભાવનગર થઈ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર-કોટડી ગામે પહોંચવાની હતી.દરમિયાનમાં આજે વ્હેલી સવારના ૫ઃ૪૫ કલાક આસપાસ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇ-વે પર સ્લીપર બસ ત્રાપજ નજીક પહોંચી ત્યારે ત્રાપજ ગામ તરફ જવાના માર્ગ પર સતિઆઈ માતાના મંદિરના બોર્ડની સામે જ બંધ અવસ્થામાં પડેલાં રેતી ભરેલાં ડમ્પર નં.જીજે.૨૭.ટીડી.૭૯૨૧ની પાછળ ધડાકાભેર ઘુસી ગઈ હતી.આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ઘડાકાભેર સર્જાયેલાં અકસ્માતની ગુંજ નજીકના ત્રાપજ ગામ સુધી સંભળાઈ હતી. જયારે, બીજી તરફ બંધ ડમ્પરની પાછળ ઘુસી ગયેલી સ્લીપર બસની ડ્રાઈવર સાઈડની અર્ધી બસના કુરચા ઉડી ગયા હતા. કડકડતી ઠંડી વચ્ચે સર્જાયેલાં આ અક્સ્માતના પગલે સ્લીપર બસમાં મીઠી નિંદર માણી રહેલાં મુસાફરો બસની અંદર અને બહાર ફેંકાયા હતા.જેના કારણે શાંત નેશનલ હાઈ-વે મુસાફરોની બૂમાબૂમ અને ચિચિંયારીઓથી ગુંજી ઉઠયો હતો. અક્સ્માતના પગલે બસમાં સવાર ત્રણ બાળકો, બે મહિલા અને એક પુરૂષ મળી કુલ છ મુસાફરના ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યા હતા. તમામ મૃતકો મહુવા, રાજુલા અને ગીર ગઢડાના હોવાનું જાણવા મળેલ છે. જયારે, બસના ડ્રાઈવર અને કન્ડકટર અને અન્ય ૧૪ મુસાફર સહિત ૧૬ લોકોને ઈજા થઈ હતી. બનાવની જાણ થતાં જ ે તણસા,તળાજા અને ત્રાપજ ની ૧૦૮ ઈમરજન્સી એમ્બયુલન્સ સ્થળ પર દોડી આવી હતી. તો, નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ગ્રામજનો તથા વાહનચાલકોએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તો, બનાવની જાણ થતાં જ ત્રાપજ,અલંગ, તણસા અને તળાજા સહિત ભાવનગર શહેર અને જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો પણ સ્થળ પર દોડી ગયા હતા. જયારે, અકસ્માતને લઈ પોલીસે સ્થળ પર આવી મૃતદેહનો કબ્જો લઈ પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. આ તરફ, અકસ્માતના પગલે સર ટી. હોસ્પિ. તંત્રે ટ્રોમા સેન્ટરમાં તબીબો સહિતનો સ્ટાફ વધારી ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. તો, ઈજાગ્રસ્તોને તળાજા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવવામાં આવ્યા હતા.જયાં બેથી વધુ મુસાફરોની હાલત ગંભીર મનાય રહી છે. જયારે, બનાવને લઈ રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગના કેન્દ્રીય મંત્રી, ભાવનગરના સાંસદ એવમ્ કેન્દ્રમાં રાજ્ય મંત્રી તથા રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વિટ કરી હતભાગીઓને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. જયારે, બનાવને લઈ હોસ્પિટલ ખાતે મ્યુનિ. પદાધિકારીઓ તથા કલેકટર, એસપી સહિતના અધિકારીઓ ખડેપગે રહ્યા હતા.
બનાવને લઈ બસના ડ્રાઈવર વલ્લભભાઈ તથા કલિનર ભરતભાઈએ અકસ્માત અંગે વિગતો આપતાં દાવા સાથે જણાવ્યુંે કે, બન્ને સુરતથી ઉના વાયા અમરેલીં ખાંભા, બેડીયા-ધોકડવા રૂટ પર રેગ્યુલર બસ ચલાવતાં હતા. પરંતુ, ગતરોજ પ્રથમ વાર જ સુરતથી રાજુલાના કાતર-કોટડી વાયા ભાવનગર- સોમનાથ નેશનલ હાઈ-વે પર બસ લઈને આવ્યા હતા. જેમાં વ્હેલી સવારે ઠંડીના કારણે સર્જાયેલાં ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝીબલિટી ઘટી હતી. તેવામાં હાઈ-વે પર ડમ્પર બંધ અવસ્થામાં પડયો હોય તેવી કલ્પના જ નહોવાથી બસને તેની નિયત સ્પીડ પર ચલાવવામાં આવતી હતી. તેવામાં એકાએક બંધ ડમ્પર દેખાતાં બ્રેક મારી બસને બાજૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. પરંતુ,બસની ડ્રાઈવરની પાછળનો ભાગ ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અથડાવવાની સાથે ઘસાયો હતો. જેના કારણે એક સાઈડની બસના કુરચા નિકળી ગયા હતા.તો, અકસ્માતને લઈ મૃતક મહિલા મુસાફરના પતિએ ડમ્પરના અજાણ્યા ચાલક સામે પોતાનું વાહન નેશનલ હાઈ-વે પર રસ્તા વચ્ચે ઉભું રાખી બસ સાથે અકસ્માત સર્જી છ લોકોના મોત નિપજાવ્યાની અલંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મૃતકોની યાદી
• ખુશીબેન કલ્પેશભાઈ બારૈયા (ઉ.વ.૦૮, રહે.મોરંગી, તા.રાજુલા)
• જયશ્રીબેન મહેશભાઈ નકુમ (ઉ.વ.૩૮, રહે.વાઘનગર, તા.મહુવા)
• તમન્નાબેન ભરતભાઈ કવાડ (ઉ.વ.૦૭, રહે.માંડળ, તા.રાજુલા)
• ગોવિંદભાઈ ભરતભાઈ કવાડ (ઉ.વ.૦૪, રહે.માંડળ, તા.રાજુલા)
• છગનભાઈ કાળાભાઈ બલદાણીયા (ઉ.વ.૪૫, રહે.રસૂલપરા, તા.ગીરગઢડા)
• ચતુરાબેન મધુભાઈ હડિયા (ઉ.વ.૪૫, રહે.કોટડી, તા.રાજુલા)
ઈજાગ્રસ્તોની યાદી
• રિનાબેન કલ્પેશભાઈ બારૈયા (ઉ.વ.૦૬, રહે.મોરંગી, તા. રાજુલા)
• પ્રવીણાબેન ભરતભાઇ કવાડ (ઉ.વ.૩૦, રહે.માંડળ, તા.રાજુલા)
• રમેશભાઈ ભીમાભાઈ હડિયા (ઉ.વ.૩૫, રહે.કોટડી, તા.રાજુલા)
• ભરતભાઈ કેશુભાઈ પરમાર (બસના કન્ડક્ટર) (ઉ.વ.૩૫, રહે. ગીરગઢડા)
• વલ્લભભાઇ સોંડાભાઈ મકવાણા (બસના ડ્રાઈવર) (ઉ.વ.૨૭, રહે.જામકા, તા.ખાંભા)
• ભરતભાઈ કાળુભાઈ કવાડ (ઉ.વ.૪૦, રહે.માંડળ, તા.રાજુલા)
• હકુભાઈ ભીમાભાઈ હડીયા (ઉ.વ.૩૭, રહે.કોટડી, તા.રાજુલા)
• મહેશભાઈ હાદાભાઈ નકુમ (ઉ.વ.૩૯, રહે. વાઘનગર, તા.મહુવા)
• કાર્તિક મહેશભાઈ નકુમ (ઉ.વ.૦૯, રહે. વાઘનગર, તા.મહુવા)
• માધુભાઈ નાથાભાઈ હડિયા (ઉ.વ.૪૫, રહે.કોટડી, તા.રાજુલા)
• સુખાભાઈ વશરામભાઈ બારૈયા (ઉ.વ.૪૫, રહે.જાફરાબાદ, જી.અમરેલી)
• સમજુબેન સુખાભાઈ બારૈયા (ઉ.વ.૪૦, રહે.જાફરાબાદ, જી.અમરેલી)
• નીમુબેન કલ્પેશભાઈ બારૈયા (રહે.મોરંગી, તા. રાજુલા)
• દયાબેન ઉમરાળીયા (ઉ.વ.૫૫, રહે.ટીમાણા, તા.તળાજા)
• અશોકભાઈ ઉમરાળીયા (ઉ.વ.૬૦, રહે.ટીમાણા, તા.તળાજા)
• મગનભાઈ રામજીભાઈ બલદાણીયા (ઉ.વ.૫૫. રહે.ભાદ્રોડ, તા.મહુવા)
બસના ડ્રાઈવરે નશો કર્યાની કલેકટરને ફરિયાદ, ડ્રાઈવરના બ્લડ સેમ્પલ લેવાયા
ભઆવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ત્રાપજ નજીક સર્જાયેલાં ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના મોત અને ૧૬ લોકો ઘાટલ થતાં ૧૮ ગામ આહિર સમાજના પ્રમુખ અને ભાવનગર જિલ્લા ભાજપના આગેવાન ડૉ. બલદાણિયા તળાજાની સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા. જયાં સ્થળ પર હાજર જિલ્લા કલેકટરને મળી બસના ડ્રાઈવરે નશો કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે બસના સંચાલકને પણ આ મામલે બસમાં સવાર મુસાફરોએ ફરિયાદ કરી હોવા છતાં તેને નજર અંદાજ કરવામાં આવી હોવાનું તેમણે આક્ષેપમાં ઉમેર્યું હતું. જો કે, અકસ્માતમાં બસના ડ્રાઈવર પોતે ઈજાગ્રસ્ત હોય અને સારવારમાં હોવાથી તેની વિશેષ પૂછપરછ કરાઈ ન હતી. જયારે, આક્ષેપને લઈ હોસ્પિટલ સ્ટાફ દ્વારા ડ્રાઈવરનું બ્લડ સેમ્પલ લેવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સેમ્પલના રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે તેમ સૂત્રોએ વિગત આપતાં અંતમાં જણાવ્યું હતું.