Bhavnagar Bus Accident : ભાવનગર જિલ્લાના ત્રાપજ પાસે મંગળવારે વહેલી સવારે લક્ઝરી બસનો હાઈ-વે પર પડેલા ડમ્પર સાથે અકસ્માત થયાના ચકચારી બનાવમાં ઘટનાને પ્રત્યક્ષ જોનારા અને પોતાના વ્હાલસોયી દિકરીને ગુમાવનારા પિતાએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. પરિવાર સાથે તેઓ સુરતથી રાજુલા તાલુકાના માંડળ સુધી આવવાના હતા અને ત્યાંથી તેના ગામ મોરંગી જવાના હતા. વહેલી સવારે ધડામ અવાજે બસમાં સવાર ઊંઘી રહેલા મુસાફરોની ઊંઘ ઉડાડી દીધી હતી અને અમુક મુસાફરો ઊંઘમાં જ મૃત્યું પામ્યા હતા. જાગ્યા પછી અકસ્માતના દ્રશ્યની તમામ મુસાફરો સ્તબ્ધ હતા.
ભાવનગર જિલ્લાના ત્રાપજ પાસે મંગળવારે વહેલી સવારે લક્ઝરી બસનો હાઈ-વે પર પડેલા ડમ્પર સાથે અકસ્માત સર્જાયાના ચકચારી બનાવમાં ઘટનાને પ્રત્યક્ષ જોનારા અને આ અકસ્માતમાં પોતાની વ્હાલસોયી દિકરીને ગુમાવનારા પિતા કલ્પેશભાઈ પરશોત્તમભાઈ બારૈયાએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ તેમના પત્ની નિમુબેન, તેમની ત્રણ દિકરીઓ અને માતા સાથે સુરત લગ્ન પ્રસંગમાં હાજરી આપી અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામે આવી રહ્યાં હતા અને તેઓ સવારે 8 વાગ્યાના અરસામાં મહુવા અને રાજુલા નજીક માંડળ ગામે ઉતરવાના હતા અને ત્યાંથી તેઓ પોતાના ગામે મોરંગી જવાના હતા. વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં લક્ઝરી બસના સોફામાં તેઓ તેમના પત્નિ અને બાળકો સાથે સોફામાં સુતા હતા અને તેમની માફત બસમાં તમામ મુસાફરો પણ ઊંઘી રહ્યાં હતા.
તેમણે જણાવ્યું કે, વહેલી સવારે 5:30 કલાકના અરસામાં અચાનક ધડામ એવો અવાજ આવ્યો અને તેની ઊંઘ ઉડીને જોયું તો બસની એક સાઈડ જ નહોતી અને અકસ્માત સર્જાયો હોવાની ખબર પડી. હું મારા પત્નિ અને બાળકોને શોધવા લાગ્યો જેમાં મારા પત્ની અને એક દિકરીને બહાર કાઢી, મોટી દિકરીનું મોત થઈ ચુક્યું હતું. લક્ઝરી બસનો ઉપરનો સોફો નીચે પડી જતાં નીચેના સોફામાં સુઈ રહેલા મુસાફરો ફસાઈ ગયા હતા.
સ્થાનિક એક ભાઈ કોશ લઈને આવ્યા અને કોશથી સોફા તથા બસના પતરાના ભાગ તોડીને ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા અને પહેલા તળાજા અને પછી ભાવનગર સારવાર માટે લાવ્યા છે. મારો મોબાઈલ પણ તુટી ગયો છે. હાલ મારા પત્ની અને બીજી દિકરીને સારવાર ચાલી રહી છે.
સગર્ભા માતા અને પિતાની નજર સામ પુત્રીનું મોત
સુરતથી પોતાના પરિવાર સાથે માંડળ ગામે પરત આવી રહેલા દંપત્તિ કલ્પેશભાઈ અને નીમુબેન અને કલ્પેશભાઈની મોટી દિકરી ખુશીબેન (ઉ.વ.08)નું તેમની નજર સામે જ નિધન થયું છે. પોતાની વ્હાલસોયી દિકરી ગુમાવનારા પરિવારમાં બીજી બાજુ નીમુબેન બારૈયા અને નાની દિકરી રીનાબેન બારૈયાને અકસ્માતમાં ઈજાઓ પહોંચતા તેમની સર ટી.હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને મહિલા નીમુબેન બારૈયા ગર્ભવતી હોવાનું તેમના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા માતા-પુત્રીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.