Virat Kohli & Anushka Sharma : હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં તે કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. હવે કોહલીને લઈને એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ અનુસાર વિરાટ ટૂંક સમયમાં તેના પરિવાર સાથે લંડન શિફ્ટ થઇ જશે. આ વાતની પુષ્ટિ તેના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કરી છે. હવે કોહલી ભારત છોડવાનું વિચારી રહ્યો છે.
રાજકુમાર શર્માએ કર્યો ખુલાસો?
ઘણાં સમયથી કોહલી અને અનુષ્કા લંડનમાં શિફ્ટ થઇ શકે છે, તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ પહેલીવાર કોહલીનો કોચ રાજકુમાર શર્માએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘વિરાટ પત્ની અનુષ્કા શર્મા અને બાળકો સાથે લંડન શિફ્ટ થવાનું વિચારી રહ્યો છે.’
હવે વિરાટ કોહલીનું નવું ઘર લંડનમાં હશે
વિરાટ કોહલીનું દિલ્હીમાં અને મુંબઈમાં એક ઘર છે. આ સિવાય તેણે મુંબઈમાં એક એપાર્ટમેન્ટ અને અલીબાગમાં એક બંગલો પણ ખરીદ્યો હતો. તેણે આ ઘર રજાઓ માણવા માટે બનાવ્યું હતું. પરંતુ હવે તે ભારત છોડવાની યોજના બનાવી રહ્યો છે. હવે વિરાટ કોહલીનું નવું ઘર લંડનમાં હશે. પરંતુ વિરાટે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાના એરપોર્ટ પર વિરાટ કોહલીનો ઝઘડો: મીડિયા પર ગુસ્સે ભરાયો, જાણો સમગ્ર મામલો
કોહલીનું વૈભવી જીવન
પોતાના વૈભવી જીવનના કારણે વિરાટ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. કોહલીની પાસે જેટલા ઘર છે તે તમામ ઘમી મોંઘી કિંમતના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલીનો સૌથી મોંઘો બંગલો ગુરુગ્રામમાં છે. કોહલીનું આ ઘર DLF ફેઝ 1માં છે. જેની અંદાજિત કિંમત 80 કરોડ રૂપિયા છે. જ્યારે મુંબઈમાં એક એપાર્ટમેન્ટની કિંમત લગભગ 34 કરોડ રૂપિયા છે. અલીબાગના બંગલાની કિંમત લગભગ 19 કરોડ રૂપિયા છે. પરંતુ આ અંગે સત્તાવાર માહિતી મળી નથી.