આણંદ: શ્રાવણ મહિના બાદ ભાદરવા મહિનાની શરૂઆત થઈ રહી છે. ભાદરવા મહિના દરમિયાન આપણા વડવાઓ દ્વારા છાશ અને દહીં ન ખાવું જોઈએ તેવી સલાહ આપવામાં આવતી હતી. ખાસ કરીને તેઓ કહેતા હતા કે, “આ સમયે ખાટી વસ્તુ ખાવાથી આખા વર્ષ દરમિયાન શરીર બીમારીનું ઘર બને છે.” આ ઉપરાંત ભાદરવા મહિના દરમિયાન વિવિધ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન અને બીજી બીમારીઓ પણ થતી હોય છે. જેથી આજે આપણે નિષ્ણાત પાસેથી આ મહિના દરમિયાન કઈ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને સ્વાસ્થ્ય સારું રહે તે અંગે જાણીશું.
આ અંગે ડો. ધનવંતરી કુમાર ઝાએ જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે આ મહિનો વર્ષાઋતુના બીજા ભાગમાં અને આયુર્વેદિક પ્રમાણે ઋતુચર્યાના એક સિઝનમાંથી છે. આ સિઝનમાં વાતદોષનો પ્રકોપ થાય છે. જેના કારણે ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ જ ઓછી હોય છે. જેથી આ સિઝનમાં સૌથી વધારે બીમારી જોવા મળે છે. આ ઉપરાંત આ સિઝનમાં વાયુને લગતી બીમારી જેવી કે, દુખાવા, નર્વસ સિસ્ટમમાં પ્રોબ્લેમ વગેરે પણ જોવા મળે છે. આ ઋતુમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે તેને બેલેન્સ કરવા માટે આપણું શરીર ડ્રાયનેસ ઇન્ક્રીઝ કરે છે. જેના કારણે વાયુમાં વધારો થાય છે અને વિવિધ પ્રકારની તકલીફ જેવી કે પેટમાં દુખાવો, એસિડિટી, સાંધાના દુખાવા જેવી સમસ્યા જોવા મળતી હોય છે.”
આ ઋતુમાં કઈ બાબતનું રાખવું ધ્યાન?
ભાદરવા મહિના દરમિયાન વાયુના પ્રકોપના કારણે આપણી જઠરાગ્નિ ખૂબ જ લો હોય છે. જેના કારણે આ ઋતુમાં ખાસ સુપાચ્ય ભોજન લેવું જોઈએ. આ ઉપરાંત ડ્રાય, કાચું અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને પાણી ઉકાળીને અને હૂંફાળું કરીને પીવું જોઈએ. ઠંડી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે, ઠંડી વસ્તુના કારણે વાયુનું પ્રકોપ થવાની શક્યતા વધુ રહે છે.
ભાદરવામાં ખાટું ખાવાની કેમ ના પાડવામાં આવે છે?
આ અંગે તેમણે જણાવ્યું હતું કે, “ભાદરવા મહિનામાં વાયુની સાથે સાથે પિત્ત દોષનું ચયન પણ થતું હોય છે. જેના કારણે શરદઋતુમાં પિત્તદોષનો પ્રકોપ થવાની શક્યતા રહેલી છે. આથી જ ભાદરવા મહિનામાં વાયુની સાથે સાથે પિત્તથી પણ બચવું જરૂરી છે. એટલે જ ભાદરવા મહિનામાં ખાટી વસ્તુ જેવી કે, છાશ, દહીં અને આથાવાળી વસ્તુઓ ખાવાની ના પાડે છે. કારણ કે, આ બધી જ વસ્તુથી પિત્તદોષનો પ્રકોપ થવાની શક્યતા રહેલી છે.”
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર