ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજામાં
ઘાયલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા પેથાપુર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજા ગામમાં અગાઉ મકાન ભાડે
લેનાર ભાડુઆત પાસે વૃદ્ધ મકાન માલિક દ્વારા બાકીનું લાઈટ બિલ માંગવામાં આવ્યું
હતું. જેથી ઉશ્કેરાઈને તેમના માથામાં ટિફિન ફટકારી દેવામાં આવ્યું હતું. વૃદ્ધને
સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. હાલ આ મામલે પેથાપુર પોલીસે ગુનો દાખલ
કરી તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે રાંધેજા
ગામમાં આવેલી પાણીની ટાંકી કૃષ્ણનગર ખાતે રહેતા દાલચંદ જવાહરલાલ શાહ દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે, તેમણે
પાંચ મહિના અગાઉ રાંધેજામાં રહેતા અર્જુનજી રમેશજી ઠાકોરને તેમનું મકાન ભાડેથી
આપ્યું હતું અને જે સમયસર લાઈટ બિલ ભરતા ન હોય અને લાઈટ બિલ ના રૃપિયા પણ આપતા ન
હોવાથી મકાન ખાલી કરાવી દીધું હતું. દરમિયાનમાં આજે સવારના સમયે દાલચંદ તેમની જનરલ
સ્ટોર્સની દુકાનમાં હાજર હતા તે સમયે અર્જુનજી ઠાકોર બાઈક લઈને પસાર થતા દાલચંદ
દ્વારા તેમને ઉભા રાખવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે લાઈટ બિલના
રૃપિયા કેમ આપતા નથી. મેં અવારનવાર તમારી પાસે માગ્યા છે. જેથી અર્જુનજીએ કહ્યું
હતું કે હું લાઈટ બિલના રૃપિયા આપીશ નહીં તમારાથી થાય તે કરી લો તેમ કહીને
બોલાચાલી કરી ગાળા ગળી કરવા લાગ્યા હતા અને ગાળો બોલવાની ના પાડતા તેમના હાથમાં
રહેલું સ્ટીલનું ટિફિન દાલચંદના માથામાં મારી દીધું હતું. જેથી આ તકરારને પગલે
આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દાલચંદજીના માથે લોહી નીકળવા લાગતું હોવાથી
સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. જેથી તેમને ગાંધીનગર સિવિલ
હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આરોપીએ જતા જતા હવે રૃપિયા માંગીશ તો જાનથી મારી
નાખીશ તેવી ધમકી પણ આપી હતી. હાલ આ મામલે પેથાપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.