• બારડોલી નગરમાં ભાજપના દશ હજાર સક્રિય કાર્યકરોના સંમેલનમાં ઓળખપત્ર વિતરણ કરાયા
• ભાજપનો એક એક કાર્યકર પક્ષ માટે સમર્પિત રહે છે
• જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ
ભારતીય જનતા પાર્ટીના 42મા સ્થાપના દિન નિમિત્તે સુરત જિલ્લા ભાજપ દ્વારા બારડોલીના શિવાજી ચોક નજીકના મેદાનમાં સુરત જિલ્લા ભાજપ સક્રિય કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા સાથે આ કાર્યકર્તાઓને પાર્ટીનું ઓળખપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે દશ હજારથી વધુ સક્રિય કાર્યકર્તાઓ અને પક્ષના અન્ય તમામ જિલ્લા, તાલુકા અને નગર સંગઠન હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
બારડોલી ખાતે આયોજિત સુરત જિલ્લા સક્રિય કાર્યકર્તા સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સમયના મૂળ સિદ્ધાંતો પર કામ કરે છે. રાષ્ટ્રીય લેવલના, રાજ્ય લેવલના, જિલ્લા લેવલના, તાલુકા લેવલના તેમજ શહેર લેવલના અને ગ્રામ્ય લેવલના દરેક કાર્યકરોના લોહી પસીનાથી ભારતીય જનતા પાર્ટી પક્ષ બેઠો થયો છે. આજે દેશ અને રાજ્યોમાં તેમજ તાલુકા જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન ચાલે છે તે કાર્યકર્તાઓને આભારી છે. ભાજપના કાર્યકરો કોઈપણ મુશ્કેલીનો સામનો કરી પક્ષ માટે કામ કરતા આવ્યા છે. ભાજપનો એક એક કાર્યકર પક્ષ માટે સમર્પિત રહે છે. કેબિનેટ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર દરેક ચૂંટણીઓમાં પક્ષને વફાદાર સહીને કામ કરતો હોવાથી તાલુકા, જિલ્લા પંચાયતો, પાલિકાઓ અને રાજ્ય સરકારમાં પક્ષનું શાસન રહ્યું છે. પક્ષનો સક્રિય કાર્યકર કે સામાન્ય કાર્યકર હોય તેની સંગઠન કામગીરીથી જ ભાજપ મજબૂત થતો આવ્યો છે. સક્રિય કાર્યકરોનું સન્માન એટલે પાર્ટીના ખરા સૌનિકોનું સન્માન એમ પણ નરેશ પટેલે ભાજપ કાર્યકરોને જણાવ્યું હતું.