- સ્થાનિક તરવૈયાઓએ બે યુવાનોને બચાવ્યા
- નાગેશ્વર તળાવ કિનારે પગ લપસતા ડૂબ્યા યુવાનો
- ફાયર બ્રિગેડની ટીમ પણ શોધખોળમાં લાગી
જંબુસરના નાગેશ્વર તળાવ મા પગ લપસતા ત્રણ યુવાનો ડુબ્યા. તે પૈકી બે યુવાનો ને સ્થાનિક તરવૈયાઓ એ બચાવ્યા હતા. જયારે પાણીમાં ડૂબેલા ત્રીજા યુવાનને ભારે જહેમત બાદ શોધીને બહાર કાઢ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
બે યુવાનોને હેમખેમ બહાર કઢાયા
જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવ પાળ ઉપર પઠાણી ભાગોળ વિસ્તારના ત્રણ યુવાનો ઉભા હતા. તે સમય દરમ્યાન પગ લપસતા ત્રણે યુવાનો તળાવમાં ડૂબ્યા હતા. યુવાનો તળાવમાં ડૂબ્યા હોય તેની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક નાગેશ્વર તળાવ ખાતે દોડી આવ્યા હતા. અને બે યુવાનોને ડુબતા બચાવ્યા હતા. જ્યારે અબ્દુલ રહેમાન અનીસ શેખ નામનો યુવાન તળાવમાં ડૂબી ગયો હતો.
પઠાણી ભાગોળ વિસ્તારમાં શોકનો માહોલ
બનાવની જાણ વાયુવેગે નગરમાં પ્રસરતા લોકોના ટોળા નાગેશ્વર તળાવ ખાતે ઉમટી પડયા હતા. ડુબી ગયેલ અબ્દુલ રહેમાન શેખને શોધવા સ્થાનિક તરવૈયા તથા ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં શોધખોળ શરુ કરી હતી. ઘણી શોધખોળ બાદ અબ્દુલ શેખનો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢી હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો જ્યાં ફરજ ઉપરના તબીબે યુવાનને મૃત જાહેર કરતા પઠાણી ભાગોળ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ બનાવની જાણ જંબુસર પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.